કોલસાનાં ભાવોમાં આંશિક ઘટાડો પણ મિલોમાં ઉત્પાદન ઘટીને ૪૦ ટકા થઇ ગયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026  |   સુરત   |   2475

સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા ડાઇંગ-પ્રિન્ટિંગ, પ્રોસેસિંગ ઉદ્યોગ મિડલ ઇસ્ટનું યુદ્ધ શરૂ થયું એ પહેલાથી જ કોલસાનાં વધી ગયેલા ભાવોને કારણે પરેશાનીમાં મૂકાયો હતો. જાેકે હવે કોલસાના ભાવમાં પ્રતિ ટને રૂ.૪૦૦થી રૂ.૭૦૦નો આંશિક ઘટાડો થઇ ચૂક્યો છે. કોલસાનો સપ્લાય પણ ડીમાન્ડ અનુસાર થઇ શકે તેવી સ્થિતિ છે, પરંતુ, હવે ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ઉત્પાદન ૬૦ ટકા ઘટીને ૪૦ ટકા પૂરતું સિમીત થઇ ગયું છે. સુરત શહેર અને ફરતેનાં વિસ્તારોમાં આવેલી અંદાજે ૪૦૦ જેટલી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ યુનિટોમાં લેબર શોર્ટેજને કારણે ફરજિયાત ઉત્પાદન કાપ મૂકવાની નોબત આવી છે.

સચિનનાં જાણીતા ટેક્સ્ટાઈલ પ્રોસેસર મિતુલ મહેતા જણાવે છે કે તેઓ દાયકાઓથી આ ઉદ્યોગમાં છે, પરંતુ, અગાઉ ક્યારેય આટલી પરેશાની જાેઇ નથી. તેમણે કહ્યું કે હાલમાં કોઇપણ મિલમાં જઇને પૂછવામાં આવે કે શું સમસ્યા છે તો સૌથી પહેલા લેબરની શોર્ટેજ છે તેવો જ પ્રત્યુત્તર મળે. અંદાજ બાંધી ન શકાય તેટલી મોટી સંખ્યામાં લેબર પોતાના વતનમાં પહોંચી ચૂક્યા છે.

એવી જ રીતે ડાઇંગ મિલમાં માસ્ટર તરીકે ફરજ બજાવતા નિકેત પટેલ કહે છે કે શ્રમજીવીને બપોરે અને રાત્રે ભોજન મળે તેવી વ્યવસ્થા કરી હતી. સાથે જ તેમના પરીવારજનોને પણ ભોજન મળે તેવી પણ વ્યવસ્થા કરી હતી આમ છતાં પણ તેઓ પોતાની મિલમાંથી શ્રમજીવીઓને પરીવાર સમેત વતનમાં જતા રોકી શક્યા નહતા. શ્રમજીવીની વસાહતમાંથી બે-પાંચ પરીવારો વતન જાય એટલે વતન વાપસીનો દોર શરૂ થઇ જાય જે અટકવાનું નામ ન લે. આવી જ સ્થિતિ કંઇક ટેક્સ્ટાઈલ ઉદ્યોગનાં શ્રમજીવીઓમાં વર્તાવા પામી છે.

કોલસા વિતરકોનું કહેવું છે કે ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ હાઉસોમાં ઇંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ થાય છે તેમાં આંશિક ઘટાડો થયો છે અને હવે શોર્ટ સપ્લાયની સ્થિતિ પણ રહી નથી. પરંતુ, હવે કોલસાની ઘરાકી પહેલા જેવી રહી નથી. મિલોમાં ઉત્પાદન ઘટી જવાના કારણે કોલસાનો વપરાશ પણ ઘટી ગયો છે. જેને કારણે હવે જેટલી કોલસાની ખપત થતી હતી તેટલી ખપત થતી નથી. કોલસાનો સપ્લાય પણ ઇન્ડોનેશિયાથી અગાઉની જેમ મળવાનો શરૂ થઇ રહ્યો છે. હવે બે મહિના, એપ્રિલ અને મે મહિના સુધી કોલસો મળી શકશે ફરી ચોમાસાના ત્રણ મહિના માટે કોલસાની ડિમાંડ સામે સપ્લાય નહીં થઇ શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution