એસી કોચમાં રિઝર્વેશન હોવા છતાં પ્રવાસીઓ ચડી ન શક્યાં!

વડોદરા, તા. ૧૨

દિવાળીની પર્વને લઈને બસ અને ટ્રેનમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. વડોદરા રેલવે સ્ટેનશ પરથી જઇ રહેલા મુસાફર સાથે બનેલી ઘટનાથી મુસાફરે ટ્‌વીટ કરીને પોતાની ટિકિટના નાણાં રિફંડ માગ્યાં હતાં. ટ્‌વીટમાં તેણે જણાવ્યું હતું કે, તેની પાસે કન્ફર્મ ટિકિટ એસી કોચની હતી, પરંતુ ભીડના કારણે તે ટ્રેનમાં ચડી શક્યો ન હતો. કારણ એટલું જ હતું કે રિઝર્વેશન વગરના મુસાફરો એસી કોચમાં ચઢી ગયા હતા. અંદરથી કોચનો દરવાજાે બંધ કરી દીધો હતો, જેથી ટ્રેન ચૂકી ગયો હતો.

હજુ તો ગઇકાલે જ સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે ભાગદોડ મચી ગઇ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને ભીડ જાેઇ શકાય છે. ત્યારે એક મુસાફરે વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, ભીડને કારણે તેનાં જેવા ઘણાં લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા, જેથી રેલવે તંત્રએ ટિકિટનું રિફંડ આપવું જાેઈએ. આ વિશે સોશિયલ મીડિયા થકી માગ પણ કરી હતી. આ સાથે તે વ્યક્તિએ જણાવ્યું હતું કે કામદારોના ટોળાંએ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો અને દરવાજાે બંધ કરી દીધો હતો. કોઇને પણ ટ્રેનમાં પ્રવેશવા દીધાં નહીં. પોલીસે મને મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને મારી પરિસ્થિતિ જાેઇને હસવા લાગ્યાં હતાં. ડીઆરએમ વડોદરાએ રેલવે પોલીસને આ ઘટનાની તપાસ કરવા વિનંતી કરી હતી.

યુવકે રેલવેમંત્રી - ડિવિઝનલ રેલવે મેનેજેર વડોદરાને ટેગ કરી વીડિયો પોસ્ટ કર્યો

પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પરથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલવે મેનેજર - વડોદરાને ટેગ કરતાં આ વ્યક્તિએ લખ્યું હતું કે, ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે. મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર. જાે તમારી પાસે કન્ફર્મ થર્ડ એસી ટિકિટ હોય તો પણ તમને ટ્રેનમાં ચડવા નહીં મળે. પોલીસ તરફથી કોઇ મદદ મળી નથી. મારા જેવા ઘણા લોકો ટ્રેનમાં ચડી શક્યા ન હતા. મને કુલ ૧૧૭૩.૯૫ રિફંડ જાેઇએ છે.

ટ્રેન છૂટી જવાના કિસ્સામાં તમે રિફંડ માટે દાવો કરી શકો

ટ્રેન છૂટી જવાના કિસ્સામાં તમે તમારા રિફંડ માટે દાવો કરી શકો છો. રેલવે નિયમો અનુસાર જાે કોઇ મુસાફર ટ્રેન ચૂકી ગયો હોય અથવા ટ્રેન ૩ કલાકથી વધુ મોડી હોય તો આવી પરિસ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને રિફંડનો દાવો કરી શકો છો. જાેકે, તે ધ્યાનમાં રાખવું પડશે કે આ રિફંડ મેળવવા માટે તમારે રેલવેની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. આના વિના તમને રિફંડ નહીં મળે. આવી સ્થિતિમાં પેસેન્જર ટીડીઆર ફાઇલ કરીને રિફંડ મેળવી શકાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution