લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026 |
1980
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં યોજાયેલા એક પારિવારિક અને ધાર્મિક કાર્યક્રમમાં નાસ્તો કર્યા બાદ અચાનક જ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવા માંડી હતી. આશરે ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવાની ફરજ પડી હતી. માહિતી અનુસાર, રાજપુરા ગામમાં એક પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં આવેલા મહેમાનો માટે નાસ્તામાં સેવ-ખમણી રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર લોકોએ આ સેવ-ખમણી ખાધાના થોડા જ સમય બાદ એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઉબકા આવવા, ઉલટી થવી અને ઝાડા થઈ જવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. જાેતજાેતામાં ૬૦થી વધુ લોકો આ જ પ્રકારની સમસ્યાથી પીડાવા લાગ્યા હતા. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોમાં આ લક્ષણો જાેવા મળતા ગામમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે તમામ દર્દીઓને તબીબી સારવાર માટે કડી શહેર તરફ રવાના કરવામાં આવ્યા હતા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એકસાથે આટલા બધા દર્દીઓ હોસ્પિટલમાં પહોંચતા મેડિકલ સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે સારવારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં રાત્રિ ફરજ બજાવતા આરએમઓ ડૉ. કેવિન નાઈએ આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે દેત્રોજ તાલુકાના રાજપુરા ગામથી ફૂડ પોઈઝનિંગના અંદાજે ૪૦થી ૫૦ જેટલા કેસ અમારી હોસ્પિટલમાં આવ્યા છે. આ તમામ લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે અને હાલ તમામ દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે. દર્દીઓની હાલની સ્થિતિ અને લક્ષણો વિશે વાત કરતા ડૉ. કેવિને ઉમેર્યું હતું કે, “અત્યારે તમામ દર્દીઓની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કોઈ પણ દર્દીની હાલત ગંભીર નથી.
અમને જાણવા મળ્યું છે કે ગામમાં કોઈ ધાર્મિક ફેમિલી ફંક્શન હતું જેમાં સેવ-ખમણી ખાધા બાદ આ તકલીફ શરૂ થઈ હતી. દર્દીઓને મુખ્યત્વે ઝાડા, ઉલટી (વોમિટિંગ) અને પેટમાં સખત દુખાવાની સૌથી વધુ ફરિયાદો હતી. યોગ્ય સમયે મેડિકલ સહાય મળી જવાથી મોટી જાનહાનિ કે ગંભીર સ્થિતિ ટળી ગઈ છે.” રાજપુરા ગામમાં આટલા મોટા પાયે ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં જ દેત્રોજ તાલુકાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભોજનમાં વપરાયેલી સામગ્રી અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે જેથી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં તમામ દર્દીઓ ખતરાની બહાર હોવાથી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ખાદ્યપદાર્થો જલ્દી બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે, ત્યારે આવા મોટા આયોજનોમાં ભોજનની ગુણવત્તા બાબતે વિશેષ તકેદારી રાખવી અત્યંત જરૂરી બની જાય છે.