વડોદરા, તા.૧૦

શહેરના નવાયાર્ડ સ્થિત લાલપરામાં સામાજીક કાર્યકર્તા અને તેમના ભાઇ પર હુમલો કરી ભાગી ગયેલ કુખ્યાત દિલીપ કેરીની ફતેહગંજ પોલીસે પીસીબીની મદદથી પોર પાસેથી ધરપકડ કરી હતી.અને તેનો આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.આ બનાવમાં પોલીસે ગઇકાલે દિલીપ કેરીના પુત્રની પણ ધરપકડ કરી હતી.

શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ સરદાર નગરમાં રહેતા અને અર્થ યુુનિટી ફાઉન્ડેશન નામની એનજીઓમાં કામ કરતા તમન્ના પીરુ શેખ અને તેમના ભાઇ નાજ પર નવાયાર્ડ લાલપરામાં એમબીસી દાસ રેસીડેન્સીમાં રહેતા હત્યા,ખંડણી,અપહરણ, ઘાતક હથિયારો તેમજ સંખ્યાબંધ ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવમાં તમન્ના શેખે ફતેહગંજ પોલીસમાં દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક સામે ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદને આધારે પોલીસે કલાકોમાં જ પ્રતિકની ધરપકડ કરી હતી.પણ દિલીપ બનાવ પછી પોલીસની નજર ચૂકવીને ફરાર થઇ જતા તેની શોધખોળ શરુ કરી હતી.અને પોલીસે તેને શોધવા દિલીપનો મોબાઇલ ટ્રેસ કરવાની શરુઆત કરતા આજે તેના મોબાઇલનું લોકેશન પોર પાસે એક રેસ્ટોરન્ટ પાસે મળતા પોલીસ પહોંચી ગઇ હતી.અને દિલીપને પકડી પાડયો હતો.પોલીસે દિલીપનો આરટીપીસીઆર ટેસ્ટ કર્યા પછી આગળની પુછતાછ કરવા તેના રિમાન્ડની માંગણી કરશે.પણ આ બનાવમાં પોલીસ કાંઇક રાંધી રહી હોવાનું ચર્ચાઇ રહ્યં છે.દિલીપ કેરીના પોલીસ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી અને બનાવ પછી પોલીસ પર દબાણ આવતા પોલીસે જ દિલીપનો સંપર્ક કરીને તેને હાજર થઇ જવા જણાવ્યું હતું.પણ દિલીપ સીધે સીધો પોલીસ મથકે હાજર થાય તો પોલીસ વિભાગનું નાક કપાય તેમ હોઇ વ્યવસ્થિત વ્યૂહરચના થકી દિલીપને પકડયો હોવાનું નાટક ઉભું કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.અગર આ બનાવમાં પોલીસ વિભાગ તટસ્થાતી તપાસ કરે તો દિલીપ સાથે સંબંધ ધરાવતા અધિકારી તેમજ કર્મચારી નીચે રેલો આવી શકે તેમ છે.તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.ગઇકાલે તમન્નાની પોલીસ કંટ્રોલ રુમને જાણ કરાયા પછી સ્થળ પર પહોચેલી દિલીપને તેના ઘર પાસેથી જ પકડી શકી હોત.પણ આવુ નહી કરવા પાછળ કોઇનું દબાણ હતું કે પછી સંબંધો ન બગડે તે માટે તેને ભગાડવામાં મદદ કરી હોવાનું સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું છે.