સુરત માટે બેંગકોકની બીજી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ થવાની શક્યતાથી નારાજગી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   સુરત   |   1881

દેશનાં મહત્વનાં વેપારી કેન્દ્રોમાં ગણાતા સુરત શહેર માટે આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટી મામલે ફરી એક મોટો ઝટકો સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ સુરતથી શારજાહની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ થવાના સમાચાર બાદ હવે સુરતથી થાઈલેન્ડ જતી ફ્લાઇટ પણ જુલાઈ ૨૦૨૬થી બંધ થવાની શક્યતા સામે આવી છે. આ ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ ફ્લાઇટ બંધ કરવા સંદર્ભે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. મોનસુન શેડ્યુઅલનાં બુકિંગ બંધ કરવાના કારણે ઉદ્યોગકારો અને સામાન્ય મુસાફરોમાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સુરત-બેંગકોક રૂટ પર પેસેન્જર લોડ ફેક્ટર લગભગ ૯૦ ટકા સુધી નોંધાયો હતો, જે કોઈપણ એરલાઈન માટે સકારાત્મક ગણાય છે. તેમ છતાં, આ રૂટને અચાનક બંધ કરવાની ચર્ચાઓ ઉઠતાં લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધી કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. બેન્કોક જેવા મહત્વના વેપારી કેન્દ્ર સાથેની ફ્લાઇટ બંધ થવાથી વેપાર પ્રવૃત્તિઓ પર સીધી અસર પડશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેમને હવે મુંબઈ અથવા અમદાવાદ જેવા શહેરો મારફતે મુસાફરી કરવાની ફરજ પડશે, જે સમય અને ખર્ચ બંનેમાં વધારો કરશે.

સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ રૂટ એરલાઈન માટે નફાકારક ન હોવાથી તેને બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. જાેકે, આ દલીલને સ્થાનિક લોકો સ્વીકારી રહ્યા નથી, કારણ કે પેસેન્જર ટ્રાફિક સતત મજબૂત રહ્યો છે. લોકોનું માનવું છે કે આવી મહત્વની સેવાઓ બંધ કરતા પહેલા યોગ્ય ચર્ચા અને પારદર્શિતા રાખવી જરૂરી છે.

આ પહેલા સુરત-શારજાહ ફ્લાઇટ બંધ થવાથી પહેલેથી જ શહેરની આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને મોટો ઝટકો લાગ્યો હતો. હવે બીજી ફ્લાઇટ પણ બંધ થવાની સ્થિતિમાં આવે તો સુરત માટે આ ડબલ આઘાત સમાન બનશે.

વેપારી સંગઠનો અને ઉદ્યોગકારોએ સરકાર અને એરલાઈન કંપનીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને યોગ્ય ર્નિણય લેવા અપીલ કરી છે. સુરત જેવા ઝડપી વિકાસ પામતા શહેર માટે મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જાળવી રાખવી સમયની માગ બની ગઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution