ગાંધીનગર-

રાજ્ય સરકારના સબ સલામત અને સ્ત્રી સુરક્ષાની વાતો વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસસ્થાન (એમએલએ ક્વાટર્સ)માં જ છેડતીનો બનાવ બન્યો હતો. જેમાં એક ધારાસભ્યના નિવાસમાં રહેતા યુવકે અન્ય બ્લોકમાં રહેતા ધારાસભ્યના નિવાસમાં રહેતી યુવતીઓની છેડતી કરી હતી. જેના કારણે ભારે હંગામો મચી ગયો હતો. જો કે મોડી રાત્રિના માફામાફી બાદ મામલો થાળે પડી ગયો હતો. જો કે આ મામલે ધારાસભ્યો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ થવા દેવામાં આવી ન હતી અને મામલો ઘર મેળે થાળે પાડી દેવાયો હતો. આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેકટર ૨૧ માં ધારાસભ્યોને રહેવા માટેના સદસ્ય નિવાસ (એમએલએ ક્વાટર્સ) આવેલા છે. આ સદસ્ય નિવાસમાં ગઈ કાલે મોડી રાત્રિના છેડતીની ઘટનાનો બનાવ બન્યો હતો. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા મુજબ સદસ્ય નિવાસના બ્લોક નંબર-એકમાં રહેતા સૌરાષ્ટ્રના એક ધારાસભ્યના નિવાસમાં છેલ્લા કેટલાક સમયથી એક યુવક રહે છે. આવી જ રીતે બ્લોક નંબર-ચારમાં સૌરાષ્ટ્રના અન્ય એક ધારાસભ્યના નિવાસમાં ત્રણેક યુવતીઓ રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રિના બ્લોક નંબર-ચારમાં ધારાસભ્યના નિવાસમાં રહેતી ત્રણેક યુવતીઓ બ્લોકની અગાસીમાં બેઠી હતી. ત્યારે બ્લોક-૧માં ધારાસભ્યના નિવાસમાં રહેતા યુવકે આ યુવતીઓની છેડતી કરી હતી. જેના કારણે હોહા મચી જવા પામી હતી અને આસપાસના સદસ્ય નિવાસમાં રહેતા લોકો એકઠાં થઈ ગયા હતા અને મામલો સદસ્ય નિવાસની સુવિધા (ઇન્કવાયરી) કચેરી સુધી પહોચી ગયો હતો. જે અંગે સુવિધા કચેરીના કર્મચારીઓ દ્વારા બંને નિવાસના ધારાસભ્યોને જાણ કરી હતી. જેના કારણે બંને ધારાસભ્યોએ પોત-પોતાના નિવાસમાં રહેતા યુવક અને યુવતીઓને સમજાવીને યુવક પાસે માફી મંગાવી લીધી હતી. જેના કારણે થોડી વાર માટે તંગ બનેલો મામલો ઠંડો પાડી ગયો હતો અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ ન હતી.

આ મામલે બ્લોક નંબર-એકમાં રહેતા ધારાસભ્યનો સંપર્ક કરતાં તેમણે જનસત્તા લોકસત્તાને જણાવ્યું હતું કે, હું તો મારા મત વિસ્તારમાં છું. કાલે રાત્રિના મને સુવિધા કચેરીના કર્મચારીનો આ ઘટના અંગે ફોન આવ્યો હતો. તેવી જ રીતે બીજા ધારાસભ્યને પણ તેમણે ફોન કર્યો હતો. જો કે બાદમાં યુવકે માફી માંગી લેતાં મામલો થાળે પાડી ગયો હતો. એટલું જ નહીં આ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તે યુવક મારો ભત્રીજો નથી કે મારા સમાજનો પણ નથી. ફક્ત તે ગરીબ પરિવારનો હોવાથી તેને રહેવા માટે કહ્યું હતું. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં મે તે યુવકને તાત્કાલિક સદસ્ય નિવાસમાંથી નીકળી જવા કહ્યું હતું અને ફરી અહિયાં ક્યારેય ન આવવા માટે પણ જણાવી દીધું હતું.