વડોદરા, તા.૨૨

ક્રિસમસના તહેવારોને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ હાઈવે ટોલનાકા ઉપર ટ્રકમાં લઈ જવાતા આ જથ્થો અને ટ્રક મળી કુલ રૂા.રપ લાખનો મુદ્‌ામાલ જપ્ત કરી ચાલકને ઝડપી પાડયો છે.

એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત, ભરૂચ થઈ અમદાવાદ શહેર તરફ જનાર છે જેના આધારે એક્સપ્રેસ ટોલનાકા ઉપર પોલીસની ટીમે વોચ ગોઠવી હતી એ દરમિયાન ટ્રન નંબર એમએચ ૧૨ એચડી ૭૯૨૨ આવી પહોંચતાં તેને રોકી તપાસ હાથ ધરી હતી.

એ દરમિયાન ટ્રકચાલક હનુમંત બાલુ શિંદે રહેવાસી-કુરુન્દ ગામ, જિ. અહેમદનગર, મહારાષ્ટ્રને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતાં ભૂસાની બોરીની આડમાં વિદેશી દારૂ-બિયરની ૩૩૩ પેટીઓ જેમાં બોટલ નંગ ૪૫૧૨ કિંમત રૂા.૧૪.૯૫ લાખ અને ટ્રક, મોબાઈલ સહિત કુલ રૂા. ૨૫ લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ કબજે કરી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.