વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારાની શક્યતા
21, જુન 2024 594   |  


નવીદિલ્હી,તા.૨૧

પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ એક મોટી અપડેટ સામે આવી રહી છે. વિગત મુજબ આગામી દિવસોમાં ડીઝલ અને પેટ્રોલના કારણે લોકોને મોંઘવારીના નવા આંચકાનો સામનો કરવો પડી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ શકે છે તેવો ભય વધી ગયો છે. બુધવારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

 ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ૨૦ સેન્ટ વધીને બેરલ દીઠ ઇં ૮૫.૫૩ પર પહોંચ્યું હતું જ્યારે સપ્ટેમ્બર સોદા માટે કિંમત ૨૧ સેન્ટ વધીને ઇં ૮૪.૭૪ પર પહોંચી હતી. દરમિયાન અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ૩ સેન્ટ વધીને ઇં૮૧.૬૦ પ્રતિ બેરલ થઈ ગયું છે. લગભગ બે મહિનામાં કાચા તેલનું આ સૌથી મોંઘું સ્તર છે. છેલ્લા દોઢ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂનની શરૂઆતમાં નીચા સ્તરને સ્પર્શ્યા પછી ક્રૂડ ઓઇલ અત્યાર સુધીમાં પ્રતિ બેરલ ૮ ડોલરથી વધુ વધી ગયું છે. એટલે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં જ કાચા તેલની કિંમતોમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ૧ ડોલરથી વધુનો વધારો થયો છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે રશિયાના એક મોટા બંદર પર ઓઇલ ટર્મિનલમાં આગ લાગી હતી. આ ઉપરાંત ઉનાળાની મજબૂત માંગ અને વિશ્વના વિવિધ ભાગોમાં વધતા જિયો પોલિટિકલ ટેન્શનના સમાચાર પણ ક્રૂડ ઓઈલને વધુ ઊંચાઈ પર ધકેલી રહ્યા છે. રશિયા-યુક્રેન ઉપરાંત પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વ્યાપક યુદ્ધનો ભય વધી ગયો છે.

જાે ક્રૂડ ઓઈલના ભાવ આ રીતે વધતા રહે તો ડીઝલ અને પેટ્રોલના મામલે ભારતમાં લોકોને આંચકાનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી પહેલા લાંબી રાહ જાેયા બાદ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી દેશના લગભગ દરેક ભાગમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો સ્થિર છે. જાેકે ભાવ બદલવાનું દબાણ વધી રહ્યું છે. હાલમાં જ કર્ણાટક સરકારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. મોંઘુ ક્રૂડ ઓઈલ સરકારી ઓઈલ કંપનીઓને દેશભરમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવાની ફરજ પાડી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution