/
વિકાસ કામો ન થતાં કલેક્ટર કચેરીના પરિસરમાં શર્ટ કાઢી નાખી રામધૂન બોલાવતા હોબાળો મચ્યો

અરવલ્લી,બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુર તાલુકાના ધારાસભ્ય જશુભાઇ પટેલે તેમના મત વિસ્તારમાં વિકાસ કામો થતા ન હોવાની ફરિયાદ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસના કામોમાં રોડા નાખવામાં આવી રહ્યા હોવાનું અને તંત્ર રાજકીય ઈશારે કામ કરતું હોવાનું અને પ્રભારીમંત્રી વિકાસના કામો બદલી નાખતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને રજુઆત કરવા પહોંચ્યા હતા.  

આ દરમિયાન તેઓ કલેકટર કચેરીમાં જ નીચે બેસી જઈ વિરોધ નોંધાવ્યા પછી કલેકટરની અન્યાયકારક નીતિ અને વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે કલેકટર ઓફિસ પરિસરમાં શર્ટ કાઢી નાખી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાતા જિલ્લા સેવાસદનમાં ભારે દોડધામ મચી હતી.

ધારાસભ્ય જશુભાઇ પટેલે ન્યાયની માંગ સાથે આંદોલન શરુ કરતા પોલીસ દોડી આવી હતી.ધારાસભ્ય જશુ પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓની પોલીસે અટકાયત કરતા જિલ્લા સેવાસદનમાં હંગામો શાંત પડ્યો હતો.

બાયડ-માલપુર તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે તેમના મત વિસ્તારમાં તેમને ચૂંટાયાના એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં રાજકીય દ્રેષભાવ રાખી વિકાસના કામો અટકાવવામાં આવતા હોવાનું અને વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વિરોધ નોંધાવવા જમીન પર બેસી ગયા હતા. ત્યારબાદ જિલ્લા સેવાસદન પરિસરમાં શર્ટ કાઢી અન્યાય સામે રામધૂન બોલાવી હતી.

તેમની સાથે જિલ્લા કોંગ્રેસના જયદત્તસિંહ પુવાર અને અન્ય અગ્રણીઓ જોડાતા જિલ્લા કલેકટર પરિસરમાં હંગામો મચી જતા તાબડતોબ પોલીસ દોડી આવી ધારાસભ્ય જશુભાઇ પટેલ સહિત કોંગી અગ્રણીઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution