/
અમારા વળતરના નાણાં અન્ય કોઈ વધુ જરૂરીયાતવાળાને આપો : મૃતકની બહેન

વડોદરા, તા.૧૮

૧૪ વર્ષનો સમય લાગ્યો પરંતુ બાદમાં જે ન્યાય મળ્યો છે એનાથી મારા મૃતક ભાઈના આત્માને સાચી શાંતિ મળશે એમ અમદાવાદ બ્લાસ્ટમાં મોતને ભેટેલા અમદાવાદના હિમાંશુભાઈ છાયા નામના મૃતકના વડોદરા ખાતે બહેન રોહિણીબેને જણાવ્યું હતું અને રાજ્યની પોલીસે બ્લાસ્ટનો કેસ ઉકેલવા કરેલી તનતોડ મહેનતના પગલે આરોપીઓ અને પુરાવા હાથ લાગ્યા હોવાનું જણાવી આભાર વ્યક્ત કરી ન્યાયતંત્રના ઐતિહાસિક ફેંસલાને આવકાર્યો છે.

ગોત્રી વિસ્તારમાં પતિ જગદીશભાઈ અંતાણી સાથે નિવૃત્ત જીવન ગુજારતા રોહિણીબેને ‘લોકસત્તા-જનસત્તા’ને જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈ, ૨૦૦૮નો એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. અમદાવાદ શહેર આખું શ્રેણીબદ્ધ ધડાકાઓથી ધ્રૂજી ઊઠયું હતું જેમાં પ૪ લોકોનાં મોત થયાં હતાં અને ર૦૦થી વધુને ઈજાઓ થઈ હતી. મૃતકોમાં મારો ભાઈ હિમાંશુ પણ સામેલ હતો, એ ત્રીજા દિવસે અમને જાણ થઈ હતી.

ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો મારો ભાઈ અપરિણીત હતો. એટલે હું એની વિશેષ કાળજી રાખતી હતી. ઓફિસીના કામે એ સરખેજ જતી હતભાગી એએમટીએસની બસ નં.૧૫૦માં બેઠો હતો અને એની સીટ નીચે જ મુકેલો બોમ્બ ફાટયો હતો અને એનું મોત થયું હતું. પરંતુ અમને એની જાણ ત્રીજા દિવસે થઈ હતી. કારણ કે, નિયત સમયે એ ઘરે પાછો નહીં ફરતાં અમે એને ઈજાગ્રસ્તોને જાેવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં શોધતા હતા. હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ હતો. પોલીસતંત્ર પણ રઘાવાયું હતું. અંતે મૃતકોની ઓળખ થતાં એ મારો ભાઈ હિમાંશુ હોવાની જાણ થતાં અમારા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. બાદમાં એના અંતિમસંસ્કાર બાદ બ્લાસ્ટના ગુનેગારોને કડક સજા થાય એવી અમે માગ કરી હતી.ગુજરાત પોલીસની ટીમોએ દેશભરમાંથી જુદા જુદા સ્થળોએ છૂપાયેલા બ્લાસ્ટ કેસના આરોપીઓને શોધી કાઢયા હતા અને ઘટનાને લગતા મજબૂત પુરાવાઓ પણ ભેગા કર્યા હતા. આરોપીઓની સંખ્યા મોટી હોવાથી દરેકની ભૂમિકા શોધતા પોલીસને વાર લાગી હતી, પરંતુ મજબૂત ચાર્જશીટના પગલે અદાલતે પણ રેરેસ્ટ કેસ ગણી નવા કાયદા યુએપીએ હેઠળ ૩૮ ને દોષિત ઠેરવી ફાંસી આપી છે અને ૧૧ને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાના ચુકાદાને હું આવકારું છું. વળતર અંગે જણાવતાં રોહિણીબેનના પતિ જગદીશભાઈએ કહ્યું હતું કે, બ્લાસ્ટમાં જાન ગુમાવનાર અન્ય જરૂરિયાતમંદોને આ વળતર આપવા માટે તંત્રને જણાવીશું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution