અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ આખરે રાજીનામું ધરી દીધું છે. કોર્પોરેશનની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે દિનેશ શર્માના રાજીનામાથી ચૂંટણી પર તેની ચોક્કસ અસર જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિનેશ શર્માએ આંતરિક કલહને કારણે રાજીનામું ધરી દીધું છે. જોકે, તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું છે કે, તેઓ કાૅંગ્રેસના સૈનિક હતા અને સૈનિક તરીકે કાર્ય કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કાૅંગ્રેસના જ અમુક નેતાઓએ મોવડી મંડળ સમક્ષ એવી રજુઆત કરી હતી કે ચૂંટણી પહેલા દિનેશ શર્માને હટાવી દેવામાં આવે. વિપક્ષ નેતાપદેથી રાજીનામું ધરી દીધા બાદ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, “કાૅંગ્રેસ પાર્ટી વર્ષો જૂની પાર્ટી છે.

કાૅંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને હું ૨૦૧૫માં પાર્ટી સાથે જોડાયો હતો અને વિપક્ષ નેતા તરીકે કાર્ય કરી રહ્યો હતો. પાર્ટીને નુકસાન ન થાય તે માટે મેં વિપક્ષ નેતાપદેથી રાજીનામું ધરી દીધું છે. મેં રાજીનામું આપ્યું તે યોગ્ય છે. ભવિષ્યમાં હું કાૅંગ્રેસને સૈનિક તરીકે કાર્ય કરતો રહીશ. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાદ-વિવાદ હોય તે સ્વાભાવિક છે. આ વાદ-વિવાદથી પાર્ટીને કોઈ નુકસાન ન થાય તે માટે મેં રાજીનામું મોવડી મંડળને મોકલી દીધું છે. મને લાગે છે કે તેમણે મારું રાજીનામું સ્વીકારી પણ લીધું હશે. મારા રાજીનામાથી ચૂંટણીમાં કોઈ નુકસાન થશે કે નહીં તેના વિશે મોવડી મંડળ અને પાર્ટી વિચારશે. અમારી વચ્ચે મનદુઃખ હોઈ શકે છે પરંતુ મનભેદ નથી. હું ભવિષ્યમાં કાૅંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશ.” દિનેશ શર્માએ રાજીનામાના કારણ અંગે પાર્ટીને નુકસાન ન થાય તેમ જણાવ્યું છે. દિનેશ શર્માના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કાૅંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, “દિનેશ શર્માના રાજીનામાનો ર્નિણય સર્વોપરિ છે પરંતુ તેમણે રાજીનામું આપવાનો સમય ખોટો પસંદ કર્યો છે. ચૂંટણી નજીક છે ત્યારે તેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. કોઈનો અહંમ સંતોષાય તે માટે પાર્ટીને નુકસાન થાય તેવો ર્નિણય લેવો જોઈએ નહીં. દિનેશ શર્માને અમદાવાદ મનપા વિપક્ષ પદેથી હટાવવા માટે કાૅંગ્રેસના જ કેટલાક નેતાઓએ મોવડી મંડળને રજુઆત કરી . જ્યારે અમુક નેતાઓએ ચૂંટણી સમયે આવો કોઈ ર્નિણય લેવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી.