લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
2178
એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્તના નામે મોટા પાયે અભિયાનો ચલાવવામાં આવે છે, તો બીજી તરફ નવી પેઢીને પાયાનું શિક્ષણ આપવા માટે બનાવેલા કરોડોના પ્રોજેક્ટ્સ ધૂળ ખાઈ રહ્યા છે. શહેરના હાર્દ સમાન લાલદરવાજા વિસ્તારમાં આવેલો ‘ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક’ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો જીવંત નમૂનો બની ગયો છે. વર્ષ ૨૦૦૯માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશરે કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો હતો. આ પાર્ક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકો રમત-ગમતની સાથે ટ્રાફિકના નિયમો, રોડ સાઇન્સ અને માર્ગ સલામતીનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે. નાનપણથી જ બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તો ભવિષ્યમાં તેઓ જવાબદાર નાગરિક બની શકે તેવું આયોજન હતું. જાેકે, આજે આ ઉમદા હેતુ કાગળ પર જ રહી ગયો હોય તેમ જણાય છે. હાલમાં આ પાર્કની મુલાકાત લેતા એવું લાગે છે કે જાણે અહીં વર્ષોથી કોઈ ડોકાયું નથી. પાર્કની હાલત અત્યંત દયનીય છે: બાળકો માટે લાવવામાં આવેલા નાના વાહનો અને સાયકલો કાટ ખાઈ રહ્યા છે અથવા તૂટી ગયા છે. ગંદકી અને ધૂળનું સામ્રાજ્ય: ટ્રાફિક ટ્રેક પર કચરો અને ધૂળ જામી ગયા છે. જે સિગ્નલો બાળકોને નિયમો શીખવવા માટે હતા, તે આજે બંધ હાલતમાં છે. પ્રોજેક્ટ પાછળ કરોડોનો ધુમાડો કર્યા પછી તેની માવજત કરવામાં તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે. ઉનાળુ વેકેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે વાલીઓ આ સમય દરમિયાન પોતાના બાળકોને એવી જગ્યાએ લઈ જવા ઈચ્છતા હોય છે જ્યાં મનોરંજનની સાથે કંઈક નવું શીખવા મળે. ‘ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક’ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શક્યો હોત, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ વેકેશનમાં પણ બાળકો આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં. સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે તૈયાર સુવિધાઓનું આ રીતે ‘બાળમરણ’ થવું એ કમનસીબી છે. “એક તરફ આપણે ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છીએ અને બીજી તરફ બાળકોને પાયાનું શિક્ષણ આપતું કેન્દ્ર બંધ હાલતમાં છે. આ તંત્રની દૂધમલ નીતિ અને વહીવટી અણઆવડતનો પુરાવો છે.”જાે સમય રહેતા અમદાવાદ મહાનગરપાલિકા જાગશે નહીં અને આ પાર્કનું નવીનીકરણ કરી તેને યોગ્ય રીતે કાર્યરત નહીં કરે, તો આ મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર કાયમી ધોરણે ખંડેરમાં ફેરવાઈ જશે. જનતાના ટેક્સના પૈસાથી બનેલા આ પ્રોજેક્ટને પુન:જીવિત કરવો એ તંત્રની નૈતિક જવાબદારી છે, જેથી અમદાવાદના બાળકોને રમત-ગમત સાથે ટ્રાફિકના પાઠ ભણવા મળી શકે.
તંત્ર સામે ઉઠતા વેધક સવાલો
આ પરિસ્થિતિએ એએમસી ના સત્તાધીશો સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે: સામાન્ય જનતા પાસે હેલ્મેટ કે સીટબેલ્ટના નામે દંડ વસૂલતું તંત્ર પોતાના પ્રોજેક્ટની જાળવણીમાં કેમ નિષ્ફળ છે?શું કરોડોના ખર્ચે બનેલા આ પાર્કનો ઉપયોગ માત્ર ઉદ્ઘાટનના ફોટા પડાવવા પૂરતો જ હતો? વેકેશન અગાઉ પાર્કનું સમારકામ કેમ ન કરાયું?