હથોડીથી માથુ છૂંદી પત્નીની હત્યા કરનાર વૃદ્ધ એન્જિનિયર ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   2475

સુરત, અડાજણનાં સન રેસિડન્સીમાં ભરબપોરે હથોડાથી માથું છૂંદી પત્નીની હત્યા કરનાર વૃધ્ધની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આનંદ મહલ રોડ ઉપર સન રેસિડેન્સીમાં ૬૪ વર્ષી દિનેશ પરસોત્તમ પટેલ સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. આણંદના વિદ્યાનગરના વતની દિનેશભાઇને સંતાનમાં બે દિકરા કૃણાલ અને વિદિત છે. શુક્રવારે બપોરે દિનેશભાઈએ તેમના ૫૪ વર્ષીય પત્ની તૃપ્તિબેનને ઊંઘમાં માથામાં હથોડાથી ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ દિનેશ પટેલે મોટા પુત્ર કૃણાલને કોલ કરી મેં તારી માને પતાવી દીધી છે એમ કહ્યુ હતું. ત્યારબાદ દિનેશ પટેલે કોલ રિસિવ કર્યા ન હતાં. પિતાના આ કોલ બાદ કૃણાલે તેના ભાઈ વિદિતને ફોન કર્યો અને બંને ઘરે પહોંચ્યા હતાં. વિદિતે ઘરે પહોંચી દરવાજાે ખોલતા માતાની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. જેને પગલે અડાજણ પોલીસમાં જાણ કરાઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે કૃણાલની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિનેશ પટેલને શોધી કાઢવા પોલીસે તેમનો મોબાઇલ ફોન ટ્રેસ કરવા માંડ્યો હતો. જેમાં મોડી રાત્રે તેનું લોકેશન ડુમસ રોડ વીઆર મોલ આસપાસનું આવ્યું હતું. જેથી પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી દિનેશ પટેલને પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દંપત્તિ વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution