વડોદરા, તા.૨૨

આગામી વરસે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત આજે કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લાના ૮ તાલુકાની ૨૮૯ ગ્રામ પંચાયતોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આચારસંહિતાના અમલ સાથે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજ્યના ૧૦ હજાર ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા.૧૯મી ડિસેમ્બરે યોજાવાની જાહેરાત કરી છે. આગામી વરસે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો માટે સેમિફાઈનલ સમાન બની રહેનારી આ ચૂંટણીઓ તમામ પક્ષો માટે મહત્ત્વની બની રહેશે. આજે ચૂંટણીની જાહેરાત સાથે જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે, તે ગામોમાં આચારસંહિતાના અમલ પણ શરૂ થઈ ગયો છે. ચૂંટણી માટેનું જાહેરનામું તા.ર૯મીએ પ્રસિદ્ધ થશે. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તા. ૪ ડિસેમ્બર છે.વડોદરા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ૮ તાલુકાના ર૮૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી જ્યારે ૪૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેમ જાણવા મળે છે. આમ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થતાં ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો એડીચોટીનું જાેર લગાવશે. ત્યારે આગામી દિવસોમાં તમામ રાજકીય પક્ષો પોતાનું ધ્યાન ગ્રામ્ય વિસ્તારો પર કેન્દ્રિત કરશે. જાે કે, ભાજપાએ આ ચૂંટણી માટે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી-આપ સહિત અન્ય પક્ષ-અપક્ષ હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે ત્યારે આ ચૂંટણી લિટમસ ટેસ્ટ પુરવાર થાય તેવી શક્યતા છે.