દાંતીવાડા-

દાંતીવાડાના સાતસણ ગામના સીમાડામાં બુધવારે સવારે ચાર હાથીઓ કોઈએ રેઢા મૂકીને જતાં લોકોમાં ભારે કૂતુહલ ફેલાયું હતું અને આ હાથીઓને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યા હતા. ગામની સીમમાં ચાર માદા હાથીને તીણાં પથ્થરો સાથે બાંધી દેવાયા હતા.

દાંતીવાડાના સાતસણ ગામે બુધવારે વહેલી સવારે કેટલાંક લોકો પોતાના કામે જતાં સીમાડા વિસ્તારમાં ચાર હાથીઓ જોતાં સૌને અચરજ થયું હતું. આ વિસ્તારમાં એકાએક ચાર હાથી દેખાતાં ખબર ફેલાઈ ગઈ હતી અને ટૂંક સમયમાં લોકોના ટોળેટોળાં આ હાથીને જોવા ઉમટ્યા હતા. સીમમાં કોઈએ આ ચાર માદા હાથીઓને તીણા પથ્થર સાથે દોરડાથી બંધાયા હતા અને તેમના પગમાં કાંટાળા તારની બેડીઓ પણ નંખાઈ હતી, જેથી તેઓ એ સ્થાનેથી ચાલીને દૂર જઈ ન શકે. આવા કાંટાળા તારને લીધે મૂંગા પ્રાણીઓના પગમાંથી લોહી પણ વહેતું હતું. 

ગામલોકોએ હાથીઓને ચારાની અને પાણીની વ્યવસ્થા કરીને અહીં આ પ્રાણીઓને કોણ છોડી ગયું એ શોધવા પૂછપરછ અને શોધખોળ આદરી હતી. મોડેથી લોકોએ વનવિભાગને જાણ કરી હતી અને ડોક્ટર દ્વારા આ પ્રાણીઓના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓ આ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફોરેસ્ટરે આ ઘટના બાબતે પાંથાવાડા પોલીસ મથકે રીપોર્ટ નોંધાવ્યો હતો. આ રસ્તા ઉપરથી દારુ ઉપરાંત ક્યારેક પ્રાણીઓની પણ હેરફેર થતી હોવાને પગલે પ્રાણી તસ્કરીમાં કામયાબી ન મળતાં ચોરો આ હાથણીઓને આ ગામની સીમમાં છોડી ગયા હોય એમ આરંભીક અનુમાન લગાવાઈ રહ્યું છે.