દિલ્હી-

દેશમાં પ.બંગાળ સહીતના પાંચ રાજયોમાં યોજાઇ રહેલી ધારાસભા ચુંટણીમાં આજે મતદાનના વધુ એક તબકકામાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે લાખો મતદારો ઉત્સાહપુર્વક મતદાનમાં જોડાયા છે. પ.બંગાળમાં 8 તબકકાના મતદાન દરમ્યાન આજે 31 બેઠકો ઉપર મતદાન થઇ રહયુ છે. અને બપોરે 3 વાગ્યા સુધીમાં 60 ટકા જેટલુ મતદાન થઇ જતા ફરી એકવખત રાજયમાં રેકોર્ડબ્રેક મતદાનની શકયતા છે. જોકે આજના મતદાન પુર્વે હિંસાનો પણ દોર જોવા મળ્યો છે. ગઇકાલે રાત્રે જ ભાજપના એક કાર્યકર્તાનો મૃતદેહ મળી આવતા તનાવ સર્જાયો હતો તો આજે સવારે તૃણમુલના નેતા પર મતદાનની ગરબડીનો આરોપ છે. ચોવીસપરગણા જીલ્લામાં તૃણમુલના નેતાના ઘરેથી ઇવીએમ મળી આવ્યા હતા. અને આ અંગે ચુંટણીપંચે આદેશ આપ્યા છે. તો અનેક જગ્યાએ ભાજપ અને તૃણમુલના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણના પણ સંકેત છે. બીજી તરફ તામીલનાડુ, પોંડીચેરી, કેરલામાં પણ મતદાન ચાલુ છે. તામિલનાડુમાં તમામ 234 બેઠકો પર, કેરલામાં 140 બેઠકો પર, પોંડીચેરી 30 બેઠકો પર અને આસમમાં આખરી તબકકાની 40 બેઠકો પર મતદાન યોજાઇ રહયુ છે અને તમામ સ્થળોએ શાંતિપુર્વક મતદાન હોવાનો સંકેત છે. આજના મતદાન સાથે જ પ.બંગાળ સિવાયના 4 રાજયોમાં ચુંટણી પ્રક્રિયા પુરી થશે અને તા. 2 મે ના રોજ મતગણતરી થવાની છે.