વડોદરા,તા. ૨૭

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી હેઠળ તળાવોનું બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ શહેરના મોટાભાગના તળાવોમાં ડ્રેનેજના પાણી છોડાતા તળાવમાં જંગલી વેલા ઉગી નિકળ્યા છે.ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મોટીબાપોદ તળાવની મુલાકાત લીઘી હતી અને સફાઈ અભિયાન શરૂ કરાવ્યુ હતુ.આ તળાવમાં પણ જંગલી વેલા અને ગંદકી ના કારણે રહિશો પરેશાન થયા છે. ત્યારે વહેલી તકે તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે તેમ સ્થાયી સમિતીના અઘ્યક્ષે જણાવ્યુ હતુ.

મોટી બાપોદ તળાવની મુલાકાત બાદ સ્થાયી સમિતીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, અગાઉ હરણી, સમા, ગોત્રી અને કમલા નગર તળાવનું બ્યુટીફિકેશન હાથ ધરાયું હતું. જેનો લાભ લોકોને મળી રહ્યો છે. આજે મારા વોર્ડ વિસ્તારમાં મોટી બાપોદ તળાવની મુલાકાત લીધી છે. તળાવમાં વનસ્પતિ ઉગી નીકળવાની સાથે આસપાસ ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાયુ છે. જેથી હાલના તબક્કે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ તળાવના બ્યુટીફિકેશનનું કામ લીધું છે. જેની ડિઝાઇનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. ટૂંક જ સમયમાં તળાવના બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરાશે. જેનો લાભ મોટીબાપોદ ગામ અને આસપાસની ૬૦ સોસાયટીના લોકોને મળશે.