લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
સુરત |
1188
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાનું ભાજપ મોવડીમંડળ માટે પણ એટલું સરળ રહ્યું ન હતું. છેલ્લા ૨૪ કલાકથી ટિકીટવાંચ્છુઓ અને તેમનાં સમર્થકો, પરિવારજનો આતુરતાપૂર્વક રાહ જાેઇ રહ્યાં હતાં પરંતુ ગાંધીનગરથી કોઇ સમાચાર સત્તાવારરીતે જાહેર નહીં કરતાં આતુરતા વધી ગઇ હતી. શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપ મોવડીમંડળ દ્વારા આજે ગુરૂવારે મોડી સાંજ સુધી ઉમેદવારોની કોઇ જ સત્તાવાર યાદી જાહેર કરી ન હતી તેમ છતાં ગોડફાધરોએ પોતપોતાનાં ચેલકાંઓને કન્ફર્મેશન આપી દીધાં હતાં. મળતી માહિતી મુજબ ૧૨૦ બેઠક પૈકી ૪૫ જેટલાં ઉમેદવારોને તેમનાં ગોડફાધરોએ ટિકીટનું કન્ફર્મેશન આપી દેતાં આ ૪૫ ઉમેદવારોએ પોતાનાં સમર્થકો સાથે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં સમગ્ર રાજયની મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પાર પાડવામાં આવી છે. છેલ્લા બે દિવસથી આ કવાયત કરવામાં આવી રહી છે જેમાં પંચાયતો અને નગરપાલિકાઓનાં ઉમેદવારો અંગે ગઇકાલે બુધવારે વિગતવાર મનોમંથન કરવામાં આવ્યાં બાદ આજે ગુરૂવારે મહાનગર પાલિકાઓનાં ઉમેદવારોની પસંદગીની વૈતરણી પાર પાડવાની કામગીરી મોવડીમંડળ દ્વારા કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ૧૨૦ બેઠકો માટે સાંજનો સમય ફાળવવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યો અને સંગઠનનાં પદાધિકારીઓનાં મંતવ્યો પણ લેવામાં આવ્યાં હતાં. સુરતમાં જ્ઞાતિ-જાતિ, વિસ્તાર, પ્રાન્તવાદને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો હતો પરંતુ ખાસકરીને પૂર્વ પ્રદેશ પ્રમુખ-કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ જુથ, પૂર્ણેશ મોદી જુથ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જુથનાં ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભારે ખેંચતાણ થઇ હોવાનું જાણવા મળે છે.
ત્રણ વર્ષની ટર્મ અને ૬૦ વર્ષની ઉંમરનાં ક્રાઇટેરિયાને કારણે કેટલાક પૂર્વ કોર્પોરેટરો રીપિટ થઇ શકે તેમ નથી એટલે તેમની ટિકીટ કપાઇ જવાની છે તો બીજીતરફ અનામત બેઠકોને કારણે પણ કેટલાક મહત્વકાંક્ષી પૂર્વ કોર્પોરેટરોની ફરી ચૂંટણી લડવાની મહેચ્છા પરિપૂર્ણ થઇ શકે તેમ નથી. અનામતને કારણે બીજા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતાં કેટલાક પૂર્વ કોર્પોરેટરોએ ઘણું લોબિંગ કર્યું છે પરંતુ ભાજપ મોવડી મંડળે આવી પ્રથાને પ્રાધાન્ય નહીં આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન ધરાવતાં કેટલાક ગોડફાધરોએ પોતાનાં ચેલકાંઓને કન્ફર્મેશન આપી દેતાં ૪૫ જેટલાં ઉમેદવારોએ સમર્થકોને પણ જાણ કરીને ચૂંટણી લડવાની જાેશભેર તૈયારીઓ કરી દીધી છે.