રસાયણોના વધુ પડતાં ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી :કુલપતિ
25, જુલાઈ 2020 1782   |  

અંબાજી,તા.૨૪  

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે નિયામક વિદ્યાર્થી કલ્યાણ દ્વારા નિયમિત ઓનલાઈન કાર્યક્રમો કરવામાં આવે છે તેના ભાગરૂપે નિયામક વિદ્યાર્થી કલ્યાણ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે નિરજકુમાર પ્રજાપતિનો પ્રેરણાત્મક યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરજકુમાર પ્રજાપતિ સાયકલ યાત્રા દ્વારા સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર કરે છે. જેમને “બાયસિકલ મેન ઓફ ઈન્ડિયા”ના નામથી પણ ઓળખવામાં આવે છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડાૅ. વી. ટી. પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સજીવ ખેતી આજની માંગ છે. આજે કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોની સરાહના કરતાં જણાવ્યુ કે, સજીવ ખેતી ઘણા ખેડૂતો ખૂબ સફળ રીતે કરે છે અને તેઓ પાસે જઈને નિરજકુમાર પ્રજાપતિએ જે અનુભવો મેળવ્યા છે, એ કૃષિના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ખૂબ જ પ્રેરણારૂપ અને ઉપયોગી થશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડાૅ.આર.કે.પટેલે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રસાયણોના વધુ પડતાં ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે. સજીવ ખેતીએ કોઈ નવી બાબત નથી. દેશના હજી પણ ઘણાં વિસ્તારોમાં ખાસ કરીને પહાડી વિસ્તારમાં કૃષિ રસાયણોનો નહિવત ઉપયોગ થાય છે. તે વિસ્તારમાં સજીવ ખેતીની ખૂબ શક્યતાઓ રહેલી છે. ડાૅ.આર.કે.પટેલે જણાવ્યુ કે, નિરજકુમાર પ્રજાપતિ કે જેઓ ૧,૧૧,૧૧૧ કી.મી. સાયકલ યાત્રા પર સજીવ ખેતી બાબતે ખેડૂતોને જાગૃત કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યા છે કૃષિના વિદ્યાર્થી ન હોવા છતાં ખેડૂતો માટે તેમનું આ કાર્ય અને લાગણી ખૂબ જ સરાહનીય છે. તેમની યાત્રા દરમ્યાનના અનુભવો ખેડૂતો અને વિધાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ સાબિત થશે. તેમણે કૃષિના વિદ્યાધાર્થીઓ કે જેઓ કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતીમાં પોતાના ઘરે છે ત્યારે તેઓ પોતાના ગામ અને આસપાસના ખેડૂતોને ટેલિફોનીક માર્ગદર્શન આપે છે. તેમજ પોતાની ખેતીમાં નવીનતા લાવી બીજા માટે પ્રેરણારૂપ બને તેવી અપીલ કરી હતી. નિરજકુમાર પ્રજાપતિએ પોતાની સાયકલ યાત્રાની શરૂઆત વિશે વાત કરતાં જણાવ્યુ કે, તેમણે કૃષિમાં થતાં આડેધડ રસાયણોના ઉપયોગને જોઈને સજીવ ખેતીના પ્રચાર-પ્રસારનો વિચાર આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution