લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
સુરત |
2178
સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ટૂંકસમયમાં જ સુરતની મુલાકાત લેવાની છે ત્યારે ખજાેદ ડિસ્પોઝલ સાઇટની આગ અને ધૂમાડો સુરત મહાનગર પાલિકાનાં માર્ક્સ કાપી શકે તેમ છે, એક તરફ સ્વચ્છતાનો એવોર્ડ છીનવાઇ જવાનો ડર અને બીજીતરફ દિપલી, ખજાેદ સહિતનાં ગામોમાં રહેતાં લોકોમાં વધતાં જતાં રોષને જાેતાં સત્તાધીશોએ વિવાદને ટાળવા ધૂમાડાને કાબુમાં લેવા જુદા જુદા પ્રયોગો હાથ ધર્યાં છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં ગાંધીનગર સ્થિત મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકરે દંડ ફટકારવાની ચીમકી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર વધારે ગંભીર બન્યાં છે. કમિશનરે આજે ગુરૂવારે ઉચ્ચાધિકારીઓની તાકિદની મીટિંગ બોલાવીને ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ધૂમાડાને કેવી રીતે કાબુમાં લેવો તે બાબતે વિશદ ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતેનાં બાયોકલ્ચર એક્સપર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા રેનેઝાઇમ નામના બાયોક્લુમ ધૂમાડા ઉપર છંટકાવ કરવામાં આવે તો ઘન કચરામાંથી ઉત્પન્ન થતા મિથેન ગેસ અને આગ ઉપર કાબુ મેળવી શકાય તેમ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. અમદાવાદનાં કન્સલ્ટન્ટને ગુરૂવારે ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લઇ જઇને બાયોક્લુમનો છંટકાવ કરાવી ચકાસણી કરાવી હતી.
આ ઉપરાંત ફોમ મટીરિયલથી પણ ધૂમાડા ઉપર કાબુ મેળવી શકાય તેમ હોવાથી તેનું પણ પરિક્ષણ આજે કરવામાં આવ્યું હતું.
બાયોક્લુમ અને ફોમ મટીરિયલને ડ્રોનનો ઉપયોગ કરીને સ્પ્રિંકલ કરી જે વિસ્તારમાં આગ લાગી હોય કે ધૂમાડો નીકળતો હોય તે વિસ્તારમાં છંટકાવ કરીને
આગ અને ધૂમાડાને કાબુમાં લઇ શકાય તેવું પરિક્ષણમાં જણાતા તે દિશામાં કાર્યવાહી કરવાનો
નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહાનગર પાલિકાનાં અધિકારીઓએ જણાવ્યું હતું.