અમદાવાદ-

હાલ રાજ્યમાં દારૂની હેરાફેરીનો વેપલો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે નારોલ અલલાલી હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. નારોલ-અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગની ટ્રકમા ઘઉની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને પીસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસને આ ઘટનામાં વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૬૦ (૨૩૦ પેટી) કિ.રૂ.૧૧,૦૪,૪૦૦, ઘઉની બોરી નંગ-૪૮૦, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ- રૂ.૨૨,૬૨,૦૦૦ના મુદામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનામાં હરિયાણાથી દારૂ ભરી અમદાવાદ રાજુ નામના શખ્સને ફોન કરી આપવાનો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદમાં બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવનાર છે. રાજસ્થાન પાસિંગવાળા ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ લવાઈ રહ્યો છે અને નારોલ- અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે. પોલીસને મળેલી બાતમીના આધારે સતર્ક થઈને વોચ ગોઠવાઈ હતી. ત્યાં આ ટ્રક આવતા જ પોલીસે તેને રોકી પૂછપરછ કરતા ટ્રકચાલક નવદીપ બિશનોઈ અને ક્લીનર અક્ષય બિશનોઈ (બંને રહે. હરિયાણા) હોવાનું કહયું હતું.

ટ્રકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસને ૧૧ લાખની કિંમતની ૨૭૬૦ દારૂની બોટલ મળી આવી હતી. અમદાવાદ પીસીબીની ટીમે બંનેની પૂછપરછ કરતા હરિયાણાના સતપાલ બિશનોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી દારૂ કોને મંગાવ્યો હતો અને કોને મોકલવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.