વડોદરા, તા. ૧૦

એમ.એસ.યુનિ.ના ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી – દેવતાઓની વિવાદિત કૃતિઓના પ્રદર્શન મુદ્દે આંદોલન ચલાવી રહેલ એબીવીપી અને એજીએસજી દ્વારા આજે પણ સીન્ડીકેટની બેઠક પૂર્વે વિરોધ પ્રદર્શન કર્યા હતા.યુનિ. દ્વારા આ મુદ્દે રચાયેલી ફેકટ ફાઈન્ડીંગ કમીટી દ્વારા રીપોર્ટ સીન્ડીકેટ સમક્ષ રજૂ થતા તેના પર ચર્ચા દરમ્યાન ટીમ એમ.એસ.યુ. અને સંકલન સમિતીના સભ્યો વચ્ચે ઉગ્ર તડાફડી સર્જાઈ હતી. જોકે આખરે વિવાદીત કૃતિ બનાવનાર ફાઈન આર્ટસનો વિદ્યાર્થી કુંદન કુમારને રસ્ટીકેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઘટના સાથે સંકળાયેલા ડીન સહિત ફેકલ્ટીના પાંચ પ્રાધ્યાપકોને શોકોઝ નોટીસ પાઠવવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો. એમ.એસ.યુનિ.ના ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ગત. તા. ૫ નારોજ હિન્દુ દેવી – દેવતાઓની વિવાદિત કૃતિઓના પ્રદર્શનમાં મુકાતા વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને એબીવીપી દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો હતો. મામલો વકરતા એબીવીપી જૂથ અને પોલીસ વચ્ચે ધર્ષણ પણ થયું હતું. જેથી મામલો વધુ ગંભીર ન બને તે માટે યુનિ. દ્વારા તાત્કાલીક ફેકટ ફાઈન્ડીંગ કમીટીની રચના કરવામાં આવી હતી. આ કમીટી દ્વારા રાત – દિવસ એક કરીને કલાકૃતિઓ વિશેની તપાસ બાબતે અને તેની સાથે જાેડાયેલ અન્ય તપાસ કરવામાં આવી હતી. જેનો રીપોર્ટ યુનિ.ખાતે યોજાવનાર સિન્ડીકેટ સભામાં મુકવામાં આવ્યો હતો. જેથી રીપોર્ટના આધારે સીન્ડીકેટ સભ્યોના મત્તો લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સભામાં કલાકૃતિ દોરનાર કુંદન કુમારને યુનિ. માંથી રસ્ટીકેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઘટના સાથે સંકળાયેલા ડીન સહિત ફેકલ્ટીના પાંચ પ્રાધ્યાપકોને શોકોઝ નોટીસ પાઠવવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો. આ નોટીસ બાદ આગળની કાર્યવાહી બાબતે યુનિ.ના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવશે.

ફરીથી આ પ્રકારની ધટના ન બને તે માટે કમિટી રચાશે

સીન્ડીકેટની મીટીંગમાં આ પ્રકારની ધટના બીજી વાર ન બને તે માટે પણ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ સમગ્ર ફેકલ્ટીમાં કોડ ઓફ કન્ડંકટ કમીટીની રચના ટૂંક સમયમાં કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત યુનિ. ની ખાનગી બાબતો બહાર કેવી રીતે પહોંચી? તે વિષય પર પણ ટીમ કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.