ગાંધીનગર, દહેગામની ઝાક જીઆઇડીસીમાં ગ્લેક્ષો કંપની લિમિટેડ કંપની જીએસકે (ઈનો) બનાવતી કંપની તરફથી મળેલી ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડો પાડીને ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરી ઝડપી પાડી કોપી રાઈટ એક્ટ હેઠળ ગેલેક્સી ગ્રુપના માલિક મીનેશ શાહ તેમજ તેના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી ૪૫.૭૩ લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ બ્રાન્ડેડ કંપનીના કોપી રાઈટ હક્કોનું કામ કરતી દિલ્હીની નેત્રીકા કન્સલ્ટિંગ એન્ડ ઈન્વેસ્ટીગેશન કંપનીનાં અમદાવાદ રહેતા ફિલ્ડ ઓફિસર ચિરાગ પંચાલ પાસે ગ્લેક્ષો ગ્રુપ લિમિટેડની જીએસકે ઈનો કોપીરાઈટ હકોની ઓથોરિટી છે. જે અન્વયે તેમણે કરેલી કોપીરાઈટ એક્ટ ભંગની ફરિયાદના આધારે આજે દહેગામ ઝાક જીઆઇડીસીમાં આવેલ સુપ્રીમ - ૧ પ્લોટ નંબર ૨૭ માં ધમધમતી ઉક્ત કંપનીના નામે ડુપ્લીકેટ ઈનો બનાવતી ફેકટરી સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમની ટીમ સાથે ચિરાગ પંચાલ સહિત તેમની કંપનીના માણસો પણ જાેડાયા હતા. આ રેડ દરમ્યાન ફેકટરી પર પ્રેમનારાયણ ઉર્ફે રાજુ દિલબહાદુર શ્રેષ્ઠ(રહે. મહેન્દ્ર મિલ સ્ટાફ ક્વાર્ટર્સ, કલોલ) મળી આવ્યો હતો. જેની પૂછતાંછ માં ફેક્ટરીનો માલિક અમદાવાદના મીનેશ શાહની હોવાનું બહાર આવ્યું હતું. જેને પણ ફેકટરી ઉપર બોલાવવા માટે ફોન કરવામાં આવતાં મીનેશ શાહ ફોન ઉપાડતો ન હતો. આ ફેક્ટરી આહુજા ગુરુબક્ષ પાસેથી ભાડે લેવામાં આવી હોવાની હકીકત પણ બહાર આવ્યું છે. બાદમાં સીઆઇડી ક્રાઇમ સહીતના ઉક્ત કંપનીના ઓથોરાઇઝ્‌ડ માણસોની હાજરીમાં ફેકટરીની તમામ મશીનરી, ઈનોનાં પાઉચનો ડુપ્લીકેટ જથ્થો જપ્ત કરી લેવાયો હતો.