વડોદરા, તા.૨૮

કરજણના જલારામ નગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, ભેજાબાજાે પામોલિન તેલ, વનસ્પતિ ઘી અને કેમિકલના મિશ્રણથી નકલી ઘી બનાવતા હતા અને એને ગીર ગાયના શુદ્ધ ઘીના નામે વેચતા હતા. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જસાપર ગામનો છે. જ્યારે બીજાે આરોપી કરજણના જલારામ નગરનો છે. પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

કરજણ પોલીસને બાતમી મળી હતી કે, જલારામ નગરમાં રહેતા રાકેશ પરબત વસાવા નામના વ્યક્તિને ત્યાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમે છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને જલારામ નગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઘીના ખાલી ડબા, ગીર અમૃત લખેલા પુઠ્ઠા, પામોલિન તેલના ખાલી ડબા, વનસ્પતિ ઘીના ખાલી ડબા, એસન્સ, ઘીના પાઉચ પેકિંગ, વજન કાંટો અને નકલી ઘીનો જથ્થો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રાકેશ પરબત વઘાસિયા (રહે. શાસ્ત્રી પાર્ક, રણછોડ પાર્કની બાજુમાં, નવાબજાર, કરજણ) અને કમલેશ શના વસાવા (રહે. ગોકુળ-૩, જલારામ નગર, કરજણ)ની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, મૂળ રાજકોટના જસદણ તાલુકાના જસાપરનો રાકેશ પરબત વઘાસીયાએ સાત-આઠ મહિના પહેલા કરજણમાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારપછી તેણે રૂ.૧૦૦૦ના ભાડામાં કમલેશ વસાવાની જગ્યા ભાડે રાખી હતી. જ્યાં તેણે નકલી ઘી બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. અને એમાં કમલેશ વસાવા હેલ્પરનું કામ કરતો હતો. આ બનાવ અંગે કરજણ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

રૂા.૧૦૦માં કિલો ઘી બનાવતો અને રૂા. ૭૦૦માં વેચતો હતો

કરજણની એક ઓરડીમાં રાકેશ વઘાસિયા નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પામોલિન તેલ, વનસ્પતિ ઘી અને એસન્સની મદદથી તે અસલી દેખાય એવુ ઘી તૈયાર કરતો અને એને એક-એક કિલોના પેકિંગ અને પંદર-પંદર કિલોના ડબામાં પેક કરીને બજારમાં વેચી દેતો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, એક કિલો નકલી ઘી બનાવવામાં એને ૧૦૦ રૂપિયાનો ખર્ચ થતો હતો. સામે એને એક કિલો ઘીના ૭૦૦થી ૮૦૦ રૂપિયા મળતા હતા. હાલમાં બજારમાં ગીર ગાયના પંદર કિલોના એક ડબાની કિંમત આશરે દસ હજાર રૂપિયા છે. આ ડબો આરોપી કમલેશ વઘાસીયાને માત્ર પંદરસો રૂપિયામાં પડતો હતો.

નકલી ઘીને અસલી પેકિંગમાં ભરીને વેચતો

કમલેશ વઘાસિયા પોતાની કામચલાઉ ફેક્ટરીમાં નકલી ઘીને અસલી પેકિંગમાં ભરીને વેચતો હતો. એનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પોલીસને આશંકા છે કે, કમલેશ વઘાસિયા સાથે ઘીનો કોઈ મોટો વેપારી પણ સંડોવાયેલો છે. નકલી ઘીનો અસલી વેપાર ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત હતો. કમલેશ રોજના સેંકડો કિલોગ્રામ જેટલુ નકલી ઘી ઉત્પાદિત કરી શકે તેમ હતો. સામે એના નકલી ઘીનો જથ્થો બજાર સુધી પહોંચાડવામાં કોઈ હોલસેલના વેપારીની સંડોવણી હોય એવી પોલીસને આશંકા છે.