હિંમતનગર,તા.૨૧ 

તલોદના ટીંબા ચોકડી પર રવિવારે રાત્રે રિક્ષાચાલક પાસેથી ઈકોમાંથી ઉતરીને પીએસઆઇ હોવાની ઓળખ આપનાર શખ્સે રૂ.૫૦૦ લીધા બાદ રિક્ષામાં સવાર અન્ય વ્યક્તિએ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરતાં તેને લાકડીઓ મારતાં ગામમાંથી મદદ માંગતા આવી પહોંચેલા અન્ય ઈકોથી પોલીસની ઓળખ આપનાર શખ્સોનો પીછો કરતાં તાજપુર બસ સ્ટેન્ડ નજીકથી ઇકોચાલકને ઝડપી પાડ્યો હતો.જ્યારે તે સમયે ફરાર થઈ ગયેલા અન્ય ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રિક્ષામાં સવાર વ્યક્તિની સાવચેતીને કારણે ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.તા. ૧૯મીના રોજ અનિલસિંહ રંગુસિંહ રાઠોડ ( રહે. ગંભીરપુરા તા. તલોદ ) રાત્રે દસેક વાગ્યે તેમની રિક્ષામાં સુનિલસિંહ પરમાર તથા કિશનસિંહ રાઠોડને તાજપુરની ટીંબા તળાવ ગામે જવા નીકળ્યા હતા.દરમિયાનમાં સાડા દસેક વાગ્યાના સુમારે ટીંબા ચોકડી પહોંચતા ઈકો નં. જી. જે - ૧૮ - એ. ઝેડ - ૭૦૫૮ રિક્ષા આગળ આડી કરી એક શખ્સ લાકડી લઈને ઉતર્યો હતો અને હું પીએસઆઇ છું તારી રિક્ષા પ્રાંતિજ લઈ લે રિક્ષા મૂકાવી દેવાની છે કહી ચાવી કાઢી લીધી હતી. 

 પતાવટ કરવા રૂ. ૫૦૦ની માંગણી કરતા અનિલસિંહે ૫૦૦ રૂપિયા આપતા સુનિલસિંહે પોલીસ સ્ટેશન ફોન કરવાનું કહેતા લાકડીના ફટકા માર્યા હતા.જેને પગલે સુનિલસિંહે તેના ગામમાં ફોન કરતાં ગામમાંથી દિગ્વિજયસિંહ તથા દિલાવરસિંહ ઇકો લઈને આવી પહોંચ્યા હતા તેમની ઈકોથી પીછો કર્યો હતો તાજપુર બસ સ્ટેશન આગળ ઇકો ઝડપી પાડી હતી. જેમાંથી ત્રણ શખ્સો ભાગી ગયા હતા. ઇકોચાલક મહેન્દ્રસિંહ ઝાલા (રહે. જેઠાજીના મુવાડા તા. તલોદ) ઝડપાઈ જતાં પોલીસને સોંપ્યો હતો. પોલીસે મહેન્દ્રસિંહની પૂછપરછ કરતાં તેની સાથેના અન્ય રતનસિંહ, યુવરાજસિંહ અને અર્જુનસિંહ એમ ઝાલા (તમામ રહે. જેઠાજીના મુવાડા તા. તલોદ)ની વિગતો આપતા પોલીસે તમામને શોધી લાવી ધરપકડ કરી હતી.