ભરૂચ : અંકલેશ્વરના નદી કિનારાના ગામોની જમીન નર્મદા નદીના વહેણ બદલાતાં ડૂબાણમાં ગઈ છે. અત્યારસુધીમાં હજારો એકર ફળદ્રુપ જમીન નર્મદા નદીમાં ડુબાણમાં ગઈ છે જ્યારે હજી કિનારાની જમીનોનું મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે. જેને લઈ ખેડૂતોને પારાવાર નુકશાન ઉઠાવવું પડ્યું છે.  

ગામના ડે.સરપંચ પ્રફુલભાઈ પટેલ તથા ગામના જ પ્રગતિશીલ ખેડુત અને એક સમયના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એવા પ્રભુભાઈ પટેલે સરકારમંત્રી ઇશ્વરભાઈ પટેલને પણ રજુઆત કરી હતી.બીજીબાજુ હાલ ભાડભૂત બેરેજ યોજનાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પણ કિનારાની જમીનો ડૂબાણમાં જવાની શક્યતાઓ છે. આ બંને પ્રકારે ડૂબાણમાં ગયેલી જમીનોનું વળતર ચૂકવવાની માંગ જુના બોરભાઠા બેટના કિસાનોએ ઉઠાવી છે. વર્ષો પહેલાં નર્મદા નદી ભરૂચ તરફથી વહેતી હતી. ધીરેધીરે નદીનું વહેણ અંકલેશ્વર તરફ બદલાયું હતું. જેના કારણે એક સમયનું બોરભાઠા બેટ ગામ જે નદીના બેટમાં હતું તેને આખેઆખું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અને આ ગામની એક હજાર એકર જેટલી જમીન નદીના વહેણથી બદલાયેલા નર્મદા નદીના પ્રવાહમાં ડૂબી જતાં કિસાનોએ આ જમીન ગુમાવી પડી હતી. બોરભાઠા બેટ ઉપરાંત તેને અડીને આવેલા અન્ય ગામોની જમીનમાં પણ આ જ સ્થિતિ હતી. ૬૦ વર્ષ પહેલા કિનારાની આ જમીન ઘણી ફળદ્રુપ ગણાતી અને તેની આગવી સમૃધ્ધિ પણ હતી. હાલ આ જમીનો નદીના વહેણમાં સમાઈ ગઈ છે. જમીનોના મૂળ માલિકોના વારસદારોને સરકાર તરફથી યોગ્ય વળતર મળવું જાેઇએ અને કમિટી બનાવી આ દિશામાં સરકારે કાર્ય કરવું જોઇએ તેવી માંગ કરાઇ હતી.