રાજકોટ-

ગુજરાતમાં ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદથી ભીંજાયા છે. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જેથી ૩ દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે આ ર્નિણય લેવાયો છે. ત્યારે આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં મગફળીની ખરીદી નહિ કરવામાં આવે. ૧૦, ૧૧ અને ૧૨ ડિસેમ્બરે મગફળી ખરીદી નહિ થાય. માવઠાના કારણે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા કરેલા રવિ પાક કપાસ, મકાઈ, ઘઉં અને ડાંગરને મોટાપાયે નુકસાન થયું છે. તો સાથે જ જીરું, ચણા, ડુંગળી અને બટાટાને ભારે નુકસાન થયું છે. દિવેલા, તુવેર, લીલા શાકભાજી, ઘાસચારાને પણ નુકસાન થયું છે. વડોદરામાં માવઠાથી શાકભાજી પકવતા ખેડૂતોને હાલાકી પડી છે. માવઠાથી શાકભાજીના પાક નિષ્ફળ જવાનો ભય છે. ફ્લાવર, મેથી, બટાટા, સરગવા, લસણ, કોબીજ સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતા છે. તો શાકભાજી પલળી જતા વેપારીઓ તેને ખરીદી નહિ શકે. જેથી ખેડૂતોને નુકસાની થઈ શકે છે. તો બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં કપાસનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો છે.

અંદાજે ૧૦૦૦થી વધુ કપાસની ગાસડીઓ પાણીમાં પલળી ગઈ છે. ૩ હજાર ક્વિન્ટલ કપાસ કમોસમી વરસાદના પાણીમાં પલળી રહ્યો છે. તાપીના વ્યારામાં માવઠાથી ભારે નુકસાન થયું છે. વ્યારા એપીએમસીમાં માવઠાથી ડાંગરની બોરીઓ પલળી ગઈ છે. જેથી વેપારીઓએ ડાંગરની બોરીઓ સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી છે. હજુ પણ ૨ દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અતિવૃષ્ટિ બાદ આવેલા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.