તું એસએમસીનો બાતમીદાર છે તેમ કહી રિક્ષાચાલક ઉપર ઘાતક હુમલો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   વડોદરા   |   1881

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ બુટલેગરો હવે પોલીસથી પણ બેખૌફ બન્યા છે. પાદરા પંથકમાં દારૂના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વોએ એક નિર્દોષ રિક્ષા ચાલક પર “પોલીસનો બાતમીદાર” હોવાની શંકા રાખી તેનું અપહરણ કરી, તેને ઢોર માર મારી સોનાની ચેઈન અને રોકડની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, રિક્ષા ચાલક મહેશભાઈ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે રાયપુરા અને જાસપુરના કુખ્યાત બુટલેગરોએ તેમનો રસ્તો રોક્યો હતો. હુમલાખોરોએ મહેશભાઈ પર આરોપ લગાવ્યો હતો કે, “તું સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર) ને અમારા દારૂના અડ્ડાની બાતમી આપે છે.” આટલું કહી ઉશ્કેરાયેલા બુટલેગરોએ તેમને રિક્ષામાંથી નીચે ખેંચી, ચાકુની અણીએ અપહરણ કરી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. ત્યાં લાકડીઓ અને અન્ય હથિયારો વડે તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

હુમલાખોરોએ માત્ર મારપીટ જ ન કરી, પરંતુ લૂંટ પણ ચલાવી હતી. મહેશભાઈના ગળામાંથી એક તોલાની સોનાની ચેઈન અને ખિસ્સામાંથી ૧,૫૦૦ રોકડા પડાવી લીધા હતા. આ હુમલામાં મહેશ, ચિરાગ, ધનિક, અજય (રાયપુરા), સંતોષ (વુડાના મકાન) અને અજય (જાસપુર) નામના શખ્સો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, માર મારતી વખતે આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, “પોલીસ અમારું કંઈ બગાડી નહીં શકે,” જે પોલીસ તંત્રના ડર પર મોટા સવાલો ઊભા કરે છે. ભોગ બનનાર રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં બુટલેગરો સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસના નામે ધમકાવતા અને જાહેરમાં લૂંટ ચલાવતા આ તત્વો સામે કડકમાં કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution