07, ડિસેમ્બર 2023
વડોદરા, તા.૬
પુત્રના લગ્નનો મંડપ બંધાવવા ઉજાગરો કરનારા પિતાનું સવારે હાર્ટ એટેકને લીધે મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પુત્રના લગ્નના આગલા દિવસે પિતાનું મોત થતા માંગલિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. પિતાના મૃત્યુ બાદ પુત્રનું લગ્ન મૌકુફ રાખવાની ફરજ પડી હતી.
નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકી એમ એસ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ૮મીએ તેમના પુત્રનું લગ્ન હતુ. આજે મંડપ મુહૂર્તની વિધિ હતી. ગઈકાલે રાત્રે તેમણે ફરાસખાના વાળા પાસે ઘર આંગણે મંડપ બંધાવ્યો હતો.મંડપ બાંધવાની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી. એટલે મગનભાઈએ મોડે સુધી ઉજાગરો કર્યો હતો. મંડપ બરાબર બંધાઈ ગયા પછી મગનભાઈ ઉંઘી ગયા હતા. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ તેમને અચાનક ગભરામણ થઈ હતી. જેથી સારવાર માટે તેમને છાણીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનુ મોત થયુ હતુ. પુત્રના લગ્નના આગલે જ દિવસે પિતાના મોતથી માંગલિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આખરે, વરપક્ષ અને કન્યાપક્ષે ભેગા મળીને લગ્નનો પ્રસંગ મુલતવી રાખ્યો હતો.