જાતિવાદ સામે લડાઈઃ જાર્ડન સામાજિક ન્યાય માટે ૭૫૫ કરોડ રૂપિયા દાન કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2020  |   2079

વાશિંગ્ટન,તા.૬

બાસ્કેટબોલ સ્ટાર માઇકલ જાર્ડન સામાજિક ન્યાય અને જાતિવાદ માટે લડતી સંસ્થાઓને ૧૦૦ મિલિયન ડોલર (લગભગ ૭૫૫ કરોડ રૂપિયા) દાન કરશે. જાર્ડન અને તેની બ્રાન્ડ આગામી ૧૦ વર્ષ માટે આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓને ભંડોળ પૂરું પાડશે. આ દાન ફેસબુક અને એમેઝોન કરતા ૧૦ ગણું વધારે છે. આ બંને કંપનીઓએ સામાજિક ન્યાય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને ૧૦ મિલિયન (લગભગ ૭૫ કરોડ રૂપિયા) દાન આપવાની જાહેરાત કરી છે. 

જાર્ડેને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકામાં બ્લેક સિવિલિયન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ દેશમાં રંગભેદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જાર્ડન અને તેની બ્રાન્ડે એક નિવેદન બહાર પાડતા કહ્યું - અશ્વેત જીવનની પણ કિંમત છે. તે પણ મહત્વ ધરાવે છે. આ કોઈ વિવાદિત નિવેદન નથી. આપણા દેશમાં રંગભેદ સંપૂર્ણ નાબૂદ થાય ત્યાં સુધી, અમે અશ્વેતોની સુરક્ષા અને સામાજિક ન્યાય માટે લડતા રહીશું. 

બ્રાન્ડ જાર્ડનના પ્રમુખ ક્રેગ વિલિયમ્સે કહ્યું - અશ્વેત સમુદાયના જીવનમાં પરિવર્તન લાવવા માટે હજી ઘણું કામ બાકી છે. અમે તેની જવાબદારી લઈએ છીએ. જાર્ડેને અમેરિકામાં પોલીસના હાથે અશ્વેતના મોત અંગે નિવેદન જારી કરતા કહ્યું હતું કેઃ “મારી સંવેદના ફ્લોયડના પરિવાર સહિત અસંખ્ય લોકો પ્રત્યે છે, જેમણે વંશીય તોડફોડ અને અન્યાયના કારણે પોતાનો જીવ ગુમાવ્ય છે. હવે બહુ થઈ ગયું, આપણે ભેગા થઈને જાતિવાદ સામે અવાજ ઉઠાવવો જાઈએ. જેથી આપણા નેતાઓ પર કાયદો બદલવા માટે દબાણ આવે.’

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution