રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલ નાકા ખાતે ફરી મારામારી, વીડિયો વાયરલ

રાજકોટ-

રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ ગત વર્ષે ટોલકર્મીને રિવોલ્વર બતાવી હતી. તાજેતરમાં સામે આવેલો વીડિયો ૧૪મી જાન્યુઆરીનો છે. મળતી માહિતી પ્રમાણે ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો.

આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા છે. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી. આ બનાવ રાત્રે ૧૦ઃ૪૧ વાગ્યે બન્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક કાર ચાલક ટોકનાકા ખાતે ઊભો રહે છે. જે બાદમાં તે ટોલબૂથના કર્મચારી સાથે બોલાચાલી કરે છે. જે બાદમાં કાર ચાલક નીચે ઉતરે છે અને ટોલકર્મી જે કેબિનમાં બેઠો હોય છે તેમાં પ્રવેશ કરે છે. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થાય છે. કાર ચાલક ટોલકર્મીના માથાના વાળ પકડીને તેને માર મારે છે. તેને લાતો પણ મારે છે.

બૂથકર્મીના ગાલ પર તમાચા પણ મારે છે. આ દરમિયાન અન્ય બૂથમાં બેઠેલા લોકો પણ બહાર દોડી આવે છે. અંતે લોકો એકઠા થઈ જતાં કર્મચારીને છોડાવ્યો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા ખાતે ગત વર્ષે ૪૦ રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢીને ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution