વડોદરા, તા.૮

લોકોમાં હવે પોલીસનો ડર રહ્યો જ ન હોય એવા બનાવો રોજબરોજ બનતા રહે છે. કરફયૂ દરમિયાન બર્થ-ડેની ઉજવણીનો પ્રસંગ હોય કે પછી માસ્ક બાબતે જાહેર માર્ગ ઉપર પોલીસ સાથે ઝપાઝપી હોય એવા સમયે શહેરના પાણીગેટ પોલીસ મથકમાં જ બે પરિવારો વચ્ચે ધોલધપાટ અને મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાે કે, પોલીસે આ મામલામાં પાંચ જણાને ઝડપી પાડી કસ્ટડી ભેગા કર્યા છે અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પાણીગેટ પોલીસ મથક પાછળ આવેલ અલગ-અલગ મહોલ્લામાં પિન્ટુ બન્ટીભાઇ કહાર, સોનલ પિન્ટુ કહાર, દેવ ઉર્ફે અમર રાકેશભાઇ કહાર, રત્ના રાકેશભાઇ કહાર અને પ્રેમલ મહેશભાઇ કહાર સવારે

પાણીગેટ પોલીસ મથકમાં એકબીજા સામે ફરિયાદ કરવા માટે આવ્યા હતા. બંને પરિવારો એકબીજા સામે ફરિયાદ કરે તે પહેલાં બંને પરિવાર વચ્ચે પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો સામે જ છૂટાહાથની મારામારી થતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. એકબીજાને લાફા ઝીંકી રહેલા કહાર પરિવારના સભ્યો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોએ બંને પરિવારજનોને છૂટા પાડ્યા હતા અને કહાર પરિવારના સભ્યને લાફા ઝીંકી રહેલી વ્યક્તિને દબોચી કસ્ટડી ભેગો કરી દીધો હતો. સવારે લગભગ ૧૧ વાગ્યાના સુમારે બનેલા આ બનાવનો કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોન ઉપર વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં તેમજ કહાર પરિવારોના વિસ્તારોમાં ચકચાર જગાવી મૂકી હતી.

પોલીસ સ્ટેશનમાં જ કાયદો અને વ્યવસ્થા ન જાળવનાર કહાર પરિવારની પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પાણીગેટ પોલીસે પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કહાર પરિવારો વચ્ચે થયેલો ઝઘડો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. તેઓએ પોલીસ મથકમાં પણ પોલીસની હાજરીમાં છૂટાહાથની મારામારી કરતાં પોલીસ જવાનો પણ પરિવારોનો ઝઘડો જાેઇ ચોંકી ઊઠ્‌યા હતા.

પોલીસનો ડર હવે લોકોમાં રહ્યો નથી

કોરોનાકાળમાં લગાવાયેલા લોકડાઉન દરમિયાન પણ પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં કરફયુ ભંગના અને જાહેરમાં જન્મદિવસ ઉજવણીના વીડિયો વાયરલ થયા હતા. જયારે માસ્ક બાબતે જાહેર માર્ગ ઉપર પોલીસ સાથે વાહનચાલકોના ઘર્ષણના બનાવો પણ સૌથી વધુ આ વિસ્તારમાં નોંધાયા હતા.જેને લઈને પોલીસનો પ્રજામાં હવે ડર રહ્યો નથી કે પછી પોલીસની કાર્યવાહી હંમેશા શંકા ઉભી કરાતી હોવાનું લાગી રહ્યું છે.