અભિનેતા જેકી ભગનાની વિરુદ્ધ છેડતીનો કેસ દાખલ
31, મે 2021

મુંબઇ

મુંબઈનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ચોકાવનારો કિસ્સો એટલે મોડેલ સાથે રેપનો. આ કેસમાં આરોપીઓની યાદીમાં એવા લોકોના નામ છે કે જે બોલીવુડના હાઈપ્રોફાઇલ ગણાય છે. સેલેબ્રિટીમાં સામેલ છે. જેમની પાસે નવા ટેલેંટ, ફિલ્મ ક્ષેત્રે કામ મેળવવાની આશા રાખતા હોય. આવા ન્યુકમર્સ બોલીવુડમાં પોતાનું કેરિયર શરુ કરવા માટે તનતોડ મહેનત કરવા તૈયાર હોય છે. પણ બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચ અને મી ટૂ  જેવા બનાવનો કોઈ અંત દેખાતો નથી.

માયાનગરી મુંબઈમાં હિરોઈન બનાવવાના નામ પર કેટલીય છોકરીઓ અને મોડેલ સાથે કુકર્મ થતા હોય છે. અવાર નવાર આવા કિસ્સા પોલીસ ચોપડે ચડતા હોય છે. આજે પણ આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. જેમાં મુંબઈમાં 9 હાઈપ્રોફાઈલ લોકો વિરુદ્ધ બળાત્કાર અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ સ્થિત એક મોડેલ યુવતીએ, બોલિવૂડના જાણીતા અભિનેતા જેકી ભગનાની  સહિત કુલ 9 લોકો પર છેડતી અને બળાત્કારનો આરોપ લગાવ્યો છે આમાં જાણીતા ફોટોગ્રાફર કોલસ્ટન જુલિયન  સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

બાંદ્રા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મોડેલે આરોપ લગાવ્યો છે કે કોલસ્ટન જુલિયને મોડેલિંગમાં મોટી તક આપવાના નામે 2014 થી 2018 ની વચ્ચે તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મોડેલે ફોટોગ્રાફર તેમજ ક્વાન એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અનિર્બન બ્લાહ, અભિનેતા જેકી ભગનાની, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, ગુરુજ્યોત સિંગ, કૃષ્ણકુમાર, વિષ્ણુ વર્ધન ઈન્દુરી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અને તમામ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

મોડેલનો આરોપ છે કે અભિનેતા જેકી ભગનાનીએ બાન્દ્રામાં તેની સાથે છેડતી કરી હતી, નિખિલ કામતે સાન્તાક્રુઝની ફાઈવ સ્ટાર હોટલમાં, શીલ ગુપ્તાએ 2015 માં અંધેરીની એક બિલ્ડિંગમાં તેની છેડતી કરી હતી.

વળી, મોડેલનો આરોપ છે કે, અજિત ઠાકુરે વર્ષ 2018માં વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. મોડેલની ફરિયાદ બાદ તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 378 (એન), 354 અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution