સુરત-

સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે, આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી. જોકે, તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાથી તેણીએ તેના એક સંબંધીએ તાંત્રિક પાસે વિધિ કરવાનું કહ્યું હતું. યુવતીનો પરિવાર 2017માં પોતાનો વેપાર-ધંધો સારી રીતે ચાલે તે માટે વડોદરાના તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવી હતી. આ માટે તેમણે હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવ્યો હતો. 

હિરેન યુવતીના ઘરે ગયો હતો અને સમયે તેણે કહ્યુ હતુ કે, તેના પર માતાજીના આશીર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા. સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેણી પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી બેભાન થઈ ગઈ હતી. 

યુવતીના આક્ષેપ મુજબ તે બેભાન થઈ ત્યારે હિરેને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં તેણના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ સમયે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે.