મુંબઇ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ પશ્ચિમ બંગાળના ઉલ્ટાડાંગામાં FIR દાખલ કરાવવામાં આવી છે. કંપના પર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ટીએમસી નેતા ઋજુ દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે કંગનાએ પશ્ચિમ બંગાળમાં નફરતનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.

ઋુજુ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપતા લખ્યું કે, કંગનાએ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અનેક ઓફેન્સિવ પોસ્ટ કરી જેને તેણે પોતાના સ્ટોરી સેક્શનમાં દર્શાવી છે. બકૌલ ઋજુ કંગનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની છબી બગાડવાનો પ્રયાસ કર્યો અને તેમના પર ગંભીર આરોપ લગાવ્યો છે.

મહત્વનું છે કે કંગના રનૌતનું ટ્વિટર હેન્ડલ હાલમાં આ સિલસિલામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તે એક બાદ એક સતત ભડકાઉ ટ્વીટ કરતી રહી, ત્યારબાદ ટ્વીટરે તેના એકાઉન્ટને હંમેશ માટે સસ્પેન્ડ કરી દીધુ છે. ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ થયા બાદ કંગના હવે ભારતીય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ કાનો ઉપયોગ કરી રહી છે.

વાત કરીએ કંગના વિરુદ્ધ દાખલ કરાવવામાં આવેલી એફઆઈઆરની તો તેની સાથે ઋજુએ તે તસવીરો અને સ્ક્રીનશોટ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે, જેને કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે બંગાળ ચૂંટણી દરમિયાન કંગના ભાજપનું સમર્થન કરતી જોવા મળી હતી. તેમણે મમતા બેનર્જી વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણ પણ લખ્યું હતું.