વડોદરા, તા.૨

વડોદરા શહેર નજીક આવેલ અને કેમિકલ ઝોન ગણાતા નંદેસરી જીઆઈડીસી સ્થિત દીપક નાઈટ્રેટ કંપનીમાં આજે સાંજના સમયે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઈ હતી. એક બાદ એક બેથી ત્રણ બ્લાસ્ટના અવાજ છેક ૧૫ કિ.મી. સુધી સંભળાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ કોલ જાહેર કરી વડોદરા ફાયર બ્રિગેડ ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સાત કર્મચારીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કલાકોની જહેમત બનાદ પાણી, કેમિકલ અને ફોમનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવીને કુલિંગની કામગીરી હાથ ધરી છે. જાે કે, આગ કયા કારણોસર લાગી તેની હાલ કોઈ સ્પષ્ટતા થઈ શકી ન હતી.

આગની ઘટનાને પગલે નંદેસરી અને આસપાસનો સમગ્ર વિસ્તાર ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સના સાયરનોથી ધમધમી ઊઠયો હતો. વિકરાળ આગને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જાે કે, આગને પગલે ગેસની અસર થતાં કે ઈજાગ્રસ્ત થયેલા સાત જેટલા કર્મચારીઓને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેઢડવામાં આવ્યા હતા, જે પૈકી ત્રણને આઈસીયુમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે.

કેમિકલ કંપનીમાં આગની ઘટનાને પગલે જિલ્લા કલેકટર, એડિ. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણી, કેમિકલ અને ફોર્મનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ કુલિંગની કામગીરી હાથ ધરી હતી. દીપક નાઈટ્રેડ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તેની કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. આવતીકાલે સવારે જ સ્પષ્ટતા થશે તેમ જાણવા મળે છે.

વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં અનેક વખત આગની ઘટનાઓ બની છે. ત્યારે આજે સાંજના સમયે નંદેસરી જીઆઈડીસી સ્થિત વિશાળ પરિસર ધરાવતી દીપક નાઈટ્રેડ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કેમિકલ કંપની હોવાના કારણે ક્ષણોમાં જ આગ વિકરાળ બનતાં વધુ બે થી ત્રણ ધડાકાઓ થતાં લોકોમાં ભયનો માહોલ સાથે આસપાસનો વિસ્તાર ધણધણી ઊઠયો હતો. ૧પ કિ.મી. દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાવાની સાથે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા હાઈવે પર દૂર દૂર સુધી જાેવા મળ્યા હતા.

આ બનાવની જાણ થતાં નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફાયર બ્રિગેડ, વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી લાશ્કરો ફાયર ફાઈટરોના કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચી આગ બૂઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉપરાંત આઈઓસી રિફાઈનરી, રિલાયન્સ, જીએસએફસી સહિત કંપનીના ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.

જીપીસીબી ટીમ ઘટનાસ્થળે પહોંચી

ભીષણ આગને લઈને સ્થાનિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વડોદરા કચેરીના અધિકારીઓ એકશનમાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે કંપની ખાતે દોડી ગયા છે. ઉપરાંત જીપીસીબીની ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના અધિકારીઓની ટીમ પણ તપાસ માટે આવનાર છે. જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ કરતાં કંપનીમાં ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ હોવાનું માલૂમ પડયું હતું, અને તેનું માપણ કરવામાં આવી રહ્યું છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું.

લોકોની વહારે બીએપીએસ ઃ એક હજાર વ્યક્તિ માટે ખીચડી મોકલાઈ

નંદેસરી ગામના લોકોની વહારે અટલાદરા સ્થિત સ્વામીનારાયણ મંદિરના બીએપીએસ સંસ્થા આવી છે અને ગામના લોકો માટે જાતે જ સ્વામીનારાયણ મંદિરના સંતોએ એક હજાર જેટલા લોકો માટે સાત્વિક ભોજન ખીચડી બનાવીને તાબડતોબ સેવાના ભાગરૂપે મોકલી આપી છે. સમાજ સેવામાં સદૈવ અગ્રેસર રહેતી આ સંસ્થાએ તાત્કાલિક યુદ્ધના ધોરણે એક લોકો માટે ગરમ વઘારેલી ખીચડી બનાવીને મોકલી છે તેમજ મંદિર ખાતે પૂ. સંતોએ તેમની સખાકારી માટે પ્રાર્થના કરી છે.

સલામતીના ભાગરૂપે ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નંદેસરી જીઆઈડીસી સ્થિત દીપક નાઈટ્રેડ કંપનીમાં પ્રચંડ ધડાકાની સાથે લાગેલી આગની ઘટનાને પગલે જિલ્લા કલેકટર તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આસપાસના પરા વિસ્તારમાં દામાપુરા અને રેઢિયાપુરાના ૭૦૦ જેટલા લોકોને ગેસની અસર ન થાય તેની તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ લોકો માટે ગેલ, આઈઓસી કંપની અને અટલાદરા સ્વામીનારાયણ મંદિર દ્વારા ફૂડ પેકેટસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શહેરના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફ કામે લાગ્યો

નંદેસરીની કેમિકલ કંપનીમાં લાગેલી આગને બૂઝાવવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, વડોદરા કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ફાયર બ્રિગેડની ટીમ ફાયર એન્જિન, સ્નોર એન્કલ બ્રાંન્ટો, બૂમ વોટર બ્રાઉઝર સહિત આધુનિક સાધનો સાથે આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત નંદેસરી જીઆઈડીસી, આઈઓસીએલ, રિલાયન્સ, જીએસએફસી, ગેલ કંપનીનો ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ફાયર ફાઈટરો સાથે આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

શ્રીજી હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોના નામ

દીપક નાઈટ્રેડ કંપનીમાં આગની ઘટનામાં સાત કર્મચારીઓની ગેસની અસર થતાં કે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં ચાર કર્મચારીઓને આઈસીયુમાં સારવાર અપાઈ રહ્યાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોમાં અનંત રામ ઐયર, તુષાર પંચાલ, રોનક ખત્રા, હર્ષદ પટેલ, પ્રશાંત કાકોઈ, અવિનાશ બારિયા, પરાક્રમસિંહ ડોડિયાનો સમાવેશ થાય છે.