લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
2277
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું રણશિંગુ ફૂકાઈ ચૂક્યું છે, ત્યારે રાજયમાં સૌ પ્રથમ આચારસંહિતા ભંગની ફરિયાદ ભાવનગરમાં નોંધાવાઇ છે. ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસનાં દાવેદાર દ્વારા ચૂંટણી તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ૧૫ મહાપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો, ૮૪ નગરપાલિકાઓ અને ૨૮૦ તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજયમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ ભાવનગર ખાતે નોંધાવાઇ છે. જેમાં ભાવનગરના ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં કોંગ્રેસનાં દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા સુભાષનગર ચોકમાં જૈન દેરાસર પાસે લાગેલા એક એલઇડી સ્કીન પર ભાવનગર મહાપાલિકા દ્વારા વિકાસ કાર્યોના વીડિયોની જાહેરાત ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોંગ્રેસનાં કાર્યકર અને ઘોઘાસર્કલ વોર્ડના દાવેદાર એવા કલ્પેશ પટેલ દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, મારા વિસ્તાર એવા ઘોઘાસર્કલ વોર્ડ નંબર ૧૩માં આવેલા સુભાષનગર ચોકમાં આવેલા જૈન દેરાસર પાસે લાગેલી એલઇડી સ્ક્રીન પર ભાવનગર મહાપાલિકાએ કરેલા કામો, ખાતમુહૂર્ત કરેલા કામોના વીડિયોની જાહેરાત ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓના ફોટાઓ સાથેની વીડિયો જાહેરાત ચાલી રહી છે. જે એક આદર્શ સામાન્ય આચારસંહિતા ભંગ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, અને આચારસંહિતા અમલી બની છે. ત્યારે આ બાબતથી આચારસંહિતાનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ જણાય છે. જેથી આજે મે ચૂંટણી તંત્ર સમક્ષ આચારસંહિતા ભંગ માટેની ફરિયાદ નોંધાવી છે. આ માટે જે કોઈ જવાબદાર હોય તેવા અધિકારી હોય તેની સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે.