ધનસુરા,તા.૫  

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શાભેરિકંપા ખાતે શ્રાવણીયો જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યો હતો. જેમાંખુલ્લામાં દીવાબત્તી નીચે બેસીને રોકડ રકમ અને પત્તા સાથે જુગાર રમતા પાંચ ખાનદાન નબીરાને પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસના દરોડાના પગલે જુગાર રમતા નબીરાઓમાં નાસભાગ મચી હતી. પરંતુ પોલીસે વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી લેતા કોઇને ભાગવાનો મોકો મળ્યો ન હતો. પોલીસે ખાનદાન નબીરાઓ પાસેથી રોકડા રૂપિયા ૧૮૩૦, પાંચ મોબાઇલ અને એક કાર સહિત કુલ રૂપિયા ૬,૩૭,૧૩૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આજથી બે દિવસ પહેલા પણ પંચકુહદા ખાતે મોડાસા અને ધનસુરા પોલસ દ્વારા સાથે મળીને સફળ રેડ કરી હતી. જેમાં સત્તર લોકો મોટી રકમ સાથે જુગાર રમતા પકડાઇ ગયા હતા. ધનસુરા પોસઇ પી. ડી. રાઠોડ દ્વારા ધનસુરા તાલુકામાં જુગાર અને દારૂ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવતા દારૂડિયા અને જુગારીયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે.