03, સપ્ટેમ્બર 2025
ચંદીગઢ |
4554 |
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તરાખંડ બાદ પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. પંજાબની નદીઓ, સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે, આ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં 12 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પંજાબના 1 હજારથી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે. પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પૂરના કારણે ત્રણ લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ચીનમાં યોજાયેલી SCO બેઠકમાંથી પાછા ફર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુરંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી અને પૂરની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. પંજાબના 23માંથી 12 જિલ્લા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયાના અહેવાલ છે. પૂરના કારણે 15 લાખ લોકો પ્રભાવિત થયા છે તેમજ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરના કારણે પંજાબમાં ખેતીને પણ અસર થઈ છે. લગભગ 3 લાખ એકર ખેતીલાયક જમીનને અસર થઈ છે, જેના કારણે ડાંગર, કપાસ અને મકાઈના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
છેલ્લા 6 વર્ષમાં પંજાબ ત્રીજી વખત પૂરની ઝપેટમાં આવ્યું છે. આ પહેલા પંજાબમાં 2023 અને 2019 માં પણ પૂર આવ્યું હતું. 2023ના પૂરમાં પંજાબના 1500થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા.