03, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4752 |
બે દિવસીય બેઠકમાં તમામ રાજ્યોના નાણાપ્રધાનો હાજર રહેશે
ચાર સ્લેબને બદલે પાંચ અને 18 ટકાના બે જ સ્લેબ રાખવાનો પ્રસ્તાવ
આજથી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં બટરથી લઇને ઇલેક્ટ્રોનિક્સ સુધીની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવા માટે જીએસટીના મહત્ત્વકાંક્ષી સુધારાઓ પર વિચારણાં કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી નાખવા માટે દબાણ કરે તેવી શક્યતા છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં કેન્દ્રના જીએસટી સુધારા અંગેના પ્રસ્તાવ અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રસ્તાવ મુજબ સરકાર જીએસટીના ચાર સ્લેબને બદલે ૫ અને ૧૮ ટકાના બે જ સ્લેબ રાખવા માંગે છે. સરકાર ૧૨ અને ૨૮ ટકાનો સ્લેબ રદ કરવા માંગે છે. આ પ્રસ્તાવમાં કેટલીક વસ્તુઓ પર સ્પેશિયલ ૪૦ ટકા જીએસટી નાખવાની યોજના છે.
ટેક્સ સ્લેબમાં ઘટાડો અને તેના કારણે થનારા ભાવ ઘટાડાનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોએ આ ફેરફારને કારણે થનારા આવકના નુકસાનની ભરપાઇ કરવાની માંગ કરી છે.
કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ હાલમાં ૧૨ ટકાના સ્લેબમાં આવતી ૯૯ ટકા વસ્તુઓને પાંચ ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે. જ્યારે ૨૮ ટકા સ્લેબમાં આવતી ૯૦ ટકા વસ્તુઓ ૧૮ ટકા સ્લેબમાં આવરી લેવામાં આવશે.
ઉપરાંત ટીવી, વોશિંગ મશીન અને રેફ્રરિજરેટરને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં લઇ જવાનો પ્રસ્તાવ છે. જ્યારે તમાકુ, પાન મસાલા અને સિગારેટ જેવી વસ્તુઓને સ્પેશિયલ ૪૦ ટકા રેટવાળા સ્લેબમાં લઈ જવાની શક્યતાં છે.