લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026 |
2079
ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે ૨,૮૫૬ કરોડની ઐતિહાસિક જાેગવાઈ કરવામાં આવી છે. અન્ન મંત્રી રમણ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરકાર ‘અંત્યોદય’ના સપનાને સાકાર કરવા ટેક્નોલોજી અને પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવા સંકલ્પબદ્ધ છે. રાજ્ય સરકાર અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજી લાવી રહી છે, જેના ભાગરૂપે હવે ૨૪*૭ અનાજ મળી રહે તે માટે ‘અન્નપૂર્તિ’ (ગ્રેઈન એટીએમ) શરૂ કરવામાં આવશે. આ સુવિધા દ્વારા લાભાર્થી માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો જેટલું અનાજ મેળવી શકશે અને આ પ્રોજેક્ટનો પ્રારંભ સંભવિત રીતે કલોલથી કરવામાં આવશે. આ સાથે જ દેશમાં પ્રથમવાર સીબીડીસી (ડિજિટલ કરન્સી) આધારિત ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે, જેનાથી રેશનિંગની દુકાનો પર ઘણીવાર સર્જાતી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ નિષ્ફળ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. શ્રીઅન્ન (મિલેટ્સ) ના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવામાં આવશે. આ માટે બજેટમાં ૩૬.૫૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં અંદાજે ૭૫ લાખ એનએફએસએ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે બજેટમાં ૭૦૦ કરોડથી વધુની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કુપોષણ દૂર કરવાના હેતુથી રાહત દરે કઠોળ પૂરા પાડવા માટે ૮૪૧ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અંતર્ગત હવેથી તુવેર દાળ, ચણા અને ખાંડ છૂટકને બદલે ૧ કિલોના સુરક્ષિત પેકિંગમાં જ વિતરણ કરવામાં આવશે. સાથે જ, નાગરિકોમાં આયોડિનની ઉણપ દૂર કરવા માટે ડબલ ફોર્ટિફાઈડ મીઠું માત્ર ?૧ પ્રતિ કિલોના અત્યંત રાહત દરે આપવાનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાજબી ભાવના ૧૭ હજારથી વધુ દુકાનદારો માટે મહત્વનો ર્નિણય લેતા તેમના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ થી વધારીને ૧૮૫ નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ, અનાજની સંગ્રહ ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યના ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા અત્યાધુનિક ગોડાઉનો બાંધવાનું આયોજન છે. આ ઉપરાંત, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે એક નવતર પ્રયોગ કરતા વિશ્વમાં પ્રથમવાર કંપનીઓના ગ્રાહકો પ્રત્યેના વર્તનને માપવા માટે ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ તૈયાર કરવામાં આવશે, જેના આધારે કંપનીઓને રેટિંગ આપવામાં આવશે.