અમદાવાદ-

અમદાવાદ શહેરના દૂધેશ્વર વોર્ડમાં આવેલી જયુપીટર મિલની ચાલીમાં રવિવારે સાંજના સમયે એક લગ્ન પ્રસંગે આયોજીત જમણવારમાં પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થતા દોડધામ મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહીતી મુજબ,દૂધેશ્વર વોર્ડમાં આવેલી જયુપીટર મિલની ચાલીમાં રવિવારે લગ્ન સમારંભ બાદ જમવામાં દૂધીનો હલવો,સમોસા અને બિરીયાની વગેરે હાજર રહેલાને પિરસવામાં આવ્યા હતા.

આ ચીજાે ખાધા બાદ ખાનારા પૈકી નાની ઉંમરના બાળકો,પુરૂષો અને મહિલાઓને ઝાડા અને ઉલટીની અસર થઈ હોવાનું માલૂમ પડતા લગ્નસમારંભના સ્થળે દોડધામ મચી જવા પામી હતી.ફૂડ પોઈઝનીંગની અસર થયેલાઓ પૈકી કેટલાક નજીકમાં આવેલી શહેરના પૂર્વ કોર્પોરેટર અને તબીબ ડો ઈકબાલ મન્સૂરીની હોસ્પિટલ ખાતે પહોંચતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું ડોકટરે એક પ્રતિક્રીયામાં કહ્યુ છે.

અમદાવાદ શહેરમાં જયારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોની વિગતો આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે.

ઉપરાંત શહેરમાં કયા વેપારીને ત્યાંથી કેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા એની વિગતો પણ મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી આપવામાં આવતી નથી.હેલ્થના અધિકારીઓને પુછવામાં આવે તો પણ તહેવારોના સમય સિવાય ફૂડ સેમ્પલોની વિગત આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે.