સૌ પ્રથમવાર ચીનનું સંરક્ષણ બજેટ 200 અબજ ડોલરથી પણ વધુ
06, માર્ચ 2021

બીજિંગ

ભારતની સરહદે તંગદિલી હળવી કરવાના પ્રયાસ વચ્ચે ચીને તેનું સંરક્ષણ બજેટ વધારીને 209 અબજ ડોલર કરી દીધું છે. ચીને સૌપ્રથમવાર તેનું ડિફેન્સ બજેટ 200 અબજ ડોલરથી વધાર્યું છે. ગત વર્ષ કરતાં તેમાં 6.8 ટકાનો વધારો કર્યો છે. આ બજેટ ભારતના ડિફેન્સ બજેટની સરખામણીએ ત્રણ ગણું વધુ છે. ચીને સતત છઠ્ઠા વર્ષે બજેટમાં સિંગલ ડિજિટમાં વધારો હાંસલ કર્યો છે. ચીનના વડાપ્રધાન લી કેકિઆંગે સંરક્ષણ ખર્ચમાં વધારાની જાહેરાત કરી હતી. પૂર્વી લડાખમાં ભારત સાથે લશ્કરી તંગદિલી ઉપરાંત અમેરિકા સાથે રાજકીય અને લશ્કરી ઘર્ષણની વચ્ચે આ વધારો સૂચક છે. ચીને વધુ સૈનિકોની ભરતી કરવા અને યુવાનોને આકર્ષવા માટે સૈનિકોના વેતનમાં 40 ટકાનો વધારો પણ જાહેર કર્યો છે.

ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાના આંકડાની સરખામણીએ એક તૃતીયાંશ જેટલું છે. અમેરિકાનું સંરક્ષણ બજેટ ૨૦૨૧ નાણાકીય વર્ષ માટે ૭૪૦.૫ અબજ ડોલર જેટલું હતું. ભારતનું સંરક્ષણ બજેટ ૬૫.૭ અબજ ડોલર છે. ચીને ગત વર્ષે ૧૯૬.૪૪ અબજ ડોલરની ફાળવણી કરી હતી. ચીનની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં લીએ પૂર્વી લડાખમાં ભારત સાથેના લશ્કરી ઘર્ષણની વાત પણ કરી હતી. તેમણે આ વર્ષ તેમની સેના માટે સફળ ગણાવી હતી. લીએ તેમના વર્ક રિપોર્ટમાં કહ્યું હતું કે 'ગત વર્ષે રાષ્ટ્રીય સંરક્ષણ અને સશસ્ત્ર દળોના વિકાસમાં મુખ્ય સફળતા હાંસલ થઇ હતી. અમારા લોકોના દળો એકદમ સક્ષમ અને મજબૂત છે. જે ચીનની રાષ્ટ્રીય સલામતીનું રક્ષણ માટે યોગ્ય છે.'

લીએ ઉમેર્યું હતું કે લશ્કરી તાલીમ અને તૈયારીને પ્રોત્સાહન આપવા તેમજ તમામ વિસ્તારોમાં સલામતીના જોખમના પ્રતિસાદ માટેની તમામ યોજનાઓ તૈયાર કરવા તેમજ દેશના સાર્વભોમકતા, સલામતી અને વિકાસલક્ષી હિતોનું રક્ષણ કરવા માટે લશ્કરની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવા સંરક્ષણ બજેટમાં વધારો કરાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution