અમદાવાદ-

ફોર્ડ કંપનીએ ગુજરાતના સાણંદ અને તમિલનાડુના ચેન્નાઈ પ્લાન્ટમાં લગભગ 2.5 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે. હવે ફોર્ડે નિર્ણય કર્યો છે કે આ પ્લાન્ટથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું વેચાણ બંધ કરશે. જો કે કંપની એન્જિન બનાવવાનું ચાલું રાખશે. યુએસ ઓટો કંપની ફોર્ડ મોટર પુનર્ગઠનના પ્રયાસોના ભાગરૂપે ભારતમાં તેના 2 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરશે અને દેશમાં આયાતી વાહનો જ વેચશે. આ માલે જાણકારી રાખનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, આ પુનર્ગઠનનો નિર્ણય છે. કંપની ફક્ત આયાતિત વાહનો તરફ ઝંપલાવશે. કંપની તરફથી આ મામલે જલદી ઔપચારિક જાહેરાત કરવાની આશા છે. ફોર્ડ ભારતના વાહન બજારમાં પોતાની ઓળખ બનાવવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહી છે. ફોર્ડ ઇન્ડિયા પાસે વાર્ષિક 6,10,000 એન્જિન અને 4,40,000 વાહનોની ઉત્પાદન ક્ષમતા છે. કંપનીએ ફિગો, એસ્પાયર અને ઇકોસ્પોર્ટ જેવા પોતાના મૉડલોની દુનિયાભરના 70થી વધારે બજારોમાં નિકાસ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ફોર્ડ મોટર કંપની અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેમના અગાઉ જાહેર કરેલા વાહન સંયુક્ત સાહસને સમાપ્ત કરવાનો અને ભારતમાં સ્વતંત્ર કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જનરલ મોટર્સ બાદ ભારતમાં કારખાનું બંધ કરનારી ફોર્ડ બીજી કંપની છે. વર્ષ 2017માં જનરલ મોટર્સે જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે કારણ કે બે દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યા પછી પણ તેની સ્થિતિ જેમની તેમ છે.