અડાલજના બંગલામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત
03, ડિસેમ્બર 2022

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે અત્રેના બંગલામાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ પણ શરૂ થવા માંડ્યો છે. તો હાલમાં પોલીસ દારૂના જથ્થાની ગણતરીમાં જાેતરાઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ - ૧ ની ટીમના પીઆઈ દિવાનસિંહ વાળા ટીમ સાથે અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. એલસીબીની ટીમે આયોજન પૂર્વક બાતમી વાળા બંગલામાં દરોડો પાડયો હતો. જ્યાં અંદરનું દ્રશ્ય જાેઈ એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. કેમ કે રૂમમાં વિદેશી દારૃની પેટીઓનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. હાલમાં એલસીબીની ટીમે દારૂની પેટીઓની ગણતરી શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે કે અંદાજીત ૪૮૦ જેટલી પેટીમાં વિદેશી દારૃના કવાર્ટર છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓનો ચોક્ક્‌સ આંકડો જાણવા મળશે. જાે કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા માટે દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઉતાર્યો હોવો જાેઈએ. ત્યારે બંગલામાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા અડાલજ પીઆઈ સામે પણ કડક પગલાં લેવાય તેવું નકારી શકાય એમ નથી. આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution