અમદાવાદ, ભાજપના પૂર્વ કોર્પોરેટર જીતુ રાણાના ત્રાસથી તેમના જ પેટ્રોલ પંપ પર જાતે સળગી જઈ યુવકે શુકવારે બપોરે આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે. યુવકે જાતે સળગ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ડીડી. (ડાઇંગ ડેકલેરેશન) આપ્યું જેમાં પેટ્રોલ પંપ સંચાલક જીતુ રાણાના ત્રાસથી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. જાેકે જીતુ રાણાએ પોતાની વિરુદ્ધના આક્ષેપ ફગાવી પોતે યુવકને રૂ.૧૫ હજારની મદદ કર્યાનું જણાવ્યું હતું. મૃતક યુવક પેટ્રોલપંપ પર પંચર બનાવતો હોવાનું અને કોન્ટ્રાકટરે નોટીસ આપતા હતાશ હોવાનું જણાવ્યું હતું. ઘાટલોડિયા પોલીસે ડીડીના આધારે રાણા વિરૂધ્ધ ગુનો દાખલ કરવા કાર્યવાહી કરી છે. મેમનગર ગામમાં આવેલ બીજેપીના પૂર્વ કોર્પોરેટર જીતુ રાણાના પેટ્રોલપંપ પર છેલ્લા કેટલાક વર્ષોથી સીબુ મનીયન ઈરવા (ઉં,૪૨)નો પંચર બનાવતો હતો. સીબુએ પંચર બનાવવાની ફ્રેન્ચાઇઝી આઈઓસી એલના પંચર કંપની સાથે ટાયઅપ ધરાવતા રાજેશ ભાઇ પાસેથી ભાડેથી લીધી હતી.સીબુ ઈરવાએ શુક્રવારે બપોરે જાતે શરીર પર કેરોસીન છાંટી આગ લગાવી હતી. સીબુને સ્થાનિકોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ અંગે ડૉકટરના મેસેજ આધારે ઘાટલોડિયા પોલીસે સીબુ મનીયલ ઈરવાનું ડાઇંગ ડેકલેરેશન લેવડાવ્યું હતું. સીબુએ પેટ્રોલ પંપ સંચાલક અને બીજેપીના પૂર્વ કોર્પોરેટર જીતુ રાણાના ત્રાસથી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. સારવાર દરમ્યાન આજે શનિવારે સવારે સીબુનું મોત નીપજ્યું હતું. ઘાટલોડિયા પોલીસે જીતુ રાણા વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ કરી છે. બીજેપીના પૂર્વ કોર્પોરેટર અને પેટ્રોલપંપ સંચાલક જીતુ રાણાએ આ અંગે જણાવ્યું હતું કે, સીબુની પત્નીનું ઓપરેશન હોવાથી મેં રૂ.૧૫ હજારની મદદ કરી હતી.મારી સાથે સીબુ ઈરવાને કોઈ તકલીફ ન હતી. સીબુને પંચરની ફ્રેન્ચાઈઝી આપનાર સાથે વાંધો પડ્યો હતો. ફ્રેન્ચાઈઝી આપનારે સીબુને કરાર પૂરો થયો તે બાબતે કેબીન ખાલી કરવા વકીલ મારફતે નોટીસ આપી હતી. સીબુએ તમે લાઈટ અને હવા આપતા નથી તેવો વીડિયો વાયરલ કર્યા બાબતે પૂછતાં રાણાએ કોરોના મહામારીમાં પંપ પર કોઈ જતું ન હોવાથી લાઈટ અને એરપ્રેશર મશીન બંધ હતું. જાેકે સીબુને એરપ્રેશર પંપ જાતે ચાલુ બંધ કરવાની જવાબદારી લે તો જ લાઈટ અને હવા આપવાનું કીધું હતું. જે પ્રશ્નનો નિકાલ આવી ગયાનું તેઓએ જણાવી પોતાનો બચાવ કર્યો હતો.ઝોન ૧ના ઇન્ચાર્જ અને ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, મૃતક સીબુ મનીયલે ડીડી આપ્યું છે. જેના આધારે લાગતાવળગતા શખ્સ વિરૂધ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ ચાલી રહી છે.ઘાટલોડિયા પીઆઇ યુવરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, મૃતક સીબુએ ડીડીમાં તેઓને જીતુ રાણા સાથે પૈસાની લેવડદેવડ મામલે વિવાદ હતો. જીતુ રાણાને કારણે તેઓએ આ પગલું ભર્યાનું જણાવ્યું છે.