લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
2673
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે. મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જાેવા મળ્યા હતા.
પાર્કિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, “પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.” આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, “મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે.