વડગામ, વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષનો સમય છે પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. હવે વડગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ રાજીનામુ ધરી દીધું છે. મણીભાઈ વાઘેલાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પાર્ટી પર સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી કહેવાતા દલિત નેતાઓને પ્રોત્સાહન આપી પક્ષમાં પ્રવેશ આપીને ગુજરાતના જૂના પીઢ નેતાઓનું સ્વમાન હણાય તેવા પ્રયત્નો કરવાના આરોપ લગાવ્યા છે. તેમણે પાર્ટીના સક્રિય કાર્યકરપદેથી અને તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. તેઓ છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે. ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને જીત મેળવી હતી. તેમણે કહ્યું કે, સત્તાધારી પાર્ટી દ્વારા અનેક પ્રલોભનો આપવામાં આવ્યા છતાં અમે અડીખમ રહ્યા હતા.તેમના કહેવા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવીને વડગામ બેઠક માટે પક્ષનો મેન્ડેટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ૨૦૧૭ ની ચૂંટણીમાં પાર્ટીએ એ વચન પાળ્યું ન હતું અને તેમને બેઠક ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં નોંધવું જાેઈએ કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉભો ન રાખી તેમને બહારથી સમર્થન પૂરું પાડ્યું હતું. આ બેઠક મણીભાઇ વાઘેલાએ ખાલી કરી હતી. જાેકે, તેમણે નામ લીધા વગર કહ્યું કે, ભડકાઉ ભાષણ આપીને દલિત નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા મારામાં પણ છે પરંતુ મારી વિચારધારા પ્રમાણે પાર્ટી કોઈ કોમ કે જાતિની હોય શકે નહીં. ઉપરાંત તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખની અનઆવડત અને અપરિપક્વ ર્નિણયો અને હાલની પાર્ટીની નીતિ, વિચારધારા અને નાના કાર્યકરોની ઉપેક્ષાને પગલે તેમણે પાર્ટી છોડવાની ફરજ પડી છે.