દે.બારીયા : દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભુલવણ (બેણાં) ગામ ધાર્મિક પ્રસંગે ખાધા અને પીધા બાદ ચાર વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા તથા ૧૦ જેટલા લોકોની હાલત ગંભીર બનતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચાર વ્યક્તિઓના અચાનક મોતને પગલે ધાર્મિક પ્રસંગમાં મોતનો માતમ છવાતા ભક્તિ સભર ગીતોને બદલે મોતના મરસીયા સાંભળવા મળ્યા હતા. જાણવા મળ્યા મુજબ દેવગઢબારિયા તાલુકાના ભુલવણ ગામે માવી પરિવારમાં આજે જાતર પૂજાનો ધાર્મિક પ્રસંગ હતો અને જાતર પૂજામાં (દારૂ)મદિરાપાન પીવાનો રિવાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે જાતર પૂજામાં ઉપસ્થિતોએ મદિરાપાન કર્યું હતું અને મદિરાપાન બાદ ભોજન કર્યાનું મનાય રહ્યું છે. મદિરાપાન પછી ભોજન લીધા બાદ કેટલાકની તબિયત અચાનક લથડી હતી અને ધાર્મિક પ્રસંગે દોડાદોડી મચી જવા પામી હતી. આ દોડાદોડીમાં ગંભીર વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ માવી કનુભાઈ સોમાભાઈ, માવી દલસિંહ ધનજીભાઈ, માવી બાબુભાઈ ફુલજીભાઈ તથા માવી સનાભાઇ ભવનભાઈ એમ ચારે જણા સ્થળ પર જ મોતને ભેટયા હતાં.

જ્યારે અન્ય ૧૦ જેટલા વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેઓને સારવાર માટે દેવગઢબારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે મરણ જનાર ઉપરોક્ત ચારેય જણાના મોત ખરેખર કયા કારણથી થયા ? દારૂ પીવાથી કે ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગ થવાથી ? પરંતુ મોતનું સાચુ કારણ તો પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.