વડોદરા, તા.૨૦ 

એશિયાની સૈાપ્રથમ સૈાથી મોટી કો.ઓ.બેંક અને હાલમાં ફડચામાં ગયેલી અન્યોન્ય કો.ઓ.બેંકમાં હાલમાં અર્જુનભાઈ વાલજીભાઈ ડામોર લીક્વીડેટર નિમાયા હોઈ તે બેંકનો વહીવટ કરે છે. અન્યોન્ય બેંકમાંથી લોન લેનાર ગ્રાહકો પાસેથી વસુલ કરાયેલા ૧.૭૫ કરોડ રૂપિયાની લીક્વીડેટર દ્વારા દિવાળીપુરા ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાં ગત ૧૬-૧-૨૦ના રોજ એક વર્ષ માટે ફીક્સ ડિપોઝીટ કરવામાં આવી હતી જેની રસીદ લીક્વીડેટર પાસે હતી. જાેકે તેમ છતાં ભેજાબાજ ટોળકીએ આ એફડીની બોગસ રસીદ બનાવી તેને પીએનબી શાખામાં રજુ કરી હતી અને આ એફડી તોડાવી નાખી વ્યાજસહિત કુલ ૧,૭૫,૪૮,૫૪૪ રૂપિયાનો પેએબલ એટ કોલ્હાપુરનો ડીડી બનાવ્યો હતો પરંતું કોલ્હાપુરની શાખામાં બોગસ ખાતુ નહી ખુલી શકતા ભેજાબાજાેએ આ ડીડી કેન્સલ કરાવ્યા બાદ લીક્વીડેટરના નામના બોગસ દસ્તાવેજાેના આધારે વડોદરાની કારેલીબાગની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ચાલુ ખાતુ ખોલાવ્યું હતું અને પીએનબીમાંથી બીજીવખત ડીડી બનાવી તેને સેન્ટ્રલ બેંકમાં જમા કરાવી તમામ નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હતી જે બનાવની ડીસીબી પોલીસ મથકમાં અન્યોન્ય બેંકના લીક્વીડેટરે અજાણી ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કૈાભાંડની ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેમાં પીએનબીના બ્રાન્ચ મેનેજરની આ કૈાભાંડમાં પહેલાથી જ શંકાસ્પદ ભુમિકા હોઈ પોલીસે તેમને ધ્યાનમાં રાખીને આર્થિક કૈાભાંડની તપાસ કરી હતી અને તપાસના અંતે ડીસીબી પોલીસે મુળ મહારાષ્ટ્રના અમરાવતીની રહીશ અને મુંબઈની બ્રાન્ચથી ટ્રાન્સફર થઈને દિવાળીપુરાની પીએનબી બ્રાન્ચમાં મેનેજર તરીકે આવેલા અમુલ ગોવિંદરાવ મોહોડ (હાલ રહે. સામ્રાજ્ય એપાર્ટેમેન્ટ, ફતેગંજ) તેમજ રાહુલ ઉર્ફ સચિન ગીરીશ શાહ (સમર્થ આંગન, અંધેરીવેસ્ટ, મુંબઈ), કિરણ ત્રિભોવન પંચાલ (અરવિંદપાર્ક, બાપુનગર,અમદાવાદ) અને ભુપેશ ભીમભાઈ સુરતી (સુરતી હાઉસ, મલાડવેસ્ટ,મુંબઈ ની) આજે ધરપકડ કરી હતી જેમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે આ ચારેય આરોપીઓ તેમજ તેઓના હાલમાં ફરાર ત્રણ સાગરીતો મકસુદ શેખ, હિતેશ કારેલિયા અને રાજુ ગોલ્ડ સહિતની ટોળકીએ અન્યોન્ય બેંકના લીક્વીડેટરે મુકેલી એફડીને વટાવી લેવા માટે કાવત્રુ કર્યું હતું. ખુદ પીએનબીના મેનેજર અમુલે ટોળકીને એફડીની અસલ રસીદ આપી હતી જેના આધારે ટોળકીએ બોગસ રસીદ બનાવતા મેનેજર અસલ રસીદ આરોપીઓને આપી દીધી હતી અને બનાવટી એફડી પોતાના બેંકમાં મુકી તે અન્યોન્ય બેંકના મેનેજરને આપી હતી. ત્યારબાદ તેઓએ અન્યોન્ય બેંકના નામના બનાવટી લેટર પેડ અને લીક્વીડેટરના નામના બનાવટી પત્ર અને સિક્કા બનાવી તે બનાવટી લેટર પીએનબી બેંકના મેનેજરને આપ્યો અને મેનેજરે પણ અન્યોન્ય બેંકના લીક્વીડેટરને તેમની એફડી તોડવાની કોઈ જાણ કર્યા વિના ગત ૧૦મી ફેબ્રુઆરીએ એફડી વ્યાજ સહિતનો રકમનો અન્યોન્ય બેંકના નામનો પેએબલ એડ કોલ્હાપુરનો ડીડી બનાવ્યો હતો. જાેકે ટોળકી કોલ્હાપુરમાં અન્યોન્ય બેંકના નામનું બોગસ ખાતુ ખોલાવી નહી શકતા તેઓએ આ ડીડી કેન્સલ કરાવ્યો હતો અને ત્યારબાદ કારેલીબાગની સેન્ટ્રલ બેંકમાં અન્યોન્ય બેંકના નામનું બોગસ ખાતુ ખોલાવી તેઓએ બીજીવખત ડીડી બનાવ્યો હતો અને તે ડીડી કારેલીબાગ શાખામાં જમા કરાવી ટોળકીએ તેેઓએ વિવિધ બેંકોમાં અલગ અલગ કંપનીઓના નામે ખોલાવેલા ખાતામાં તેમજ રાહુલ ડીસ્ટીની ટ્રેડીંગ કંપનીનું મુંબઈ ખાતે નાલાસોપારાની આઈડીબીઆઈ બેંક ખાતુ પોતે ઓપરેટ કરતો હોઈ તેણે કંપની માલિકની જાણ બહાર આ ખાતામાં દોઢ કરોડ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી તમામ નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હતી. ઠગ ટોળકીએ અન્યોન્ય બેંકની પોણા બે કરોડની એફડી તોડાવી હતી જે પૈકી ૨૫ લાખની એફડી સેન્ટ્રલ બેંકમાં મુકી હતી તે એફડી પણ તોડાવી નાખી તે નાણાં આર એ સેલ્સ કોર્પોરેશનના ખાતામાં ટ્રાન્સફર કરાવી આરોપીઓએ નાણાંની અગાઉ નક્કી થયા પ્રમાણે વહેચણી કરી હતી. 

બેંક ઓફ ઈન્ડિયાના ૮૮ કરોડના કૈાભાંડમાં સીબીઆઈએ રાહુલને ઝડપેલો

અન્યોન્ય બેંકની એફડી વટાવી લેવાના કૈાભાંડમાં સંડોવાયેલી ગેંગ અનેક આર્થિક ગુનામાં સંડોવાયેલી હોવાનું ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું. આરોપીઓ પૈકીનો રાહુલની ગત ૨૦૧૧-૧૨માં સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયાના ૮૮ કરોડના આર્થિક કૈાભાંડમાં ધરપકડ કરી હતી. એટલું જ નહી આ કૈાભાંડમાં સંડોવાયેલા હિતેશ કારેલિયા અને રાજુ ગોલ્ડ સામે ભારતમાં વિવિધ સ્થળોએ આર્થિક કૈાભાંડમાં સંડોવાયેલા હોઈ તેઓ મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે.

આરોપીઓ પાસેથી ૧૮ લાખથી વધુની મત્તા જપ્ત

ક્રાઈમ બ્રાન્ચે પીએનબીના બ્રાન્ચ મેનેજર સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી ૯૧ હજારના અગિયાર મોબાઈલ ફોન તેમજ ૫૦ હજારના બે લેપટોપ, ૧૭ લાખની બે કાર તેમજ ઈન્ટનેટનું એક ડોંગલ, અલગ-અલગ બેંકના કુલ ૫૩ ડેબીટ અને ક્રેડીટ કાર્ડ અને એક ડ્રાઈવીંગ લાયસન્સ સહિત કુલ ૧૮,૪૧,૫૦૦ની મત્તા જપ્ત કરી હતી. જાેકે કૈાભાંડ કરીને મેળવેલા નાણાં આરોપીઓએ ક્યાં અને કેવી રીતે વાપર્યા અને તેનું ક્યા રોકાણ કર્યું છે તેની વિગતો મેળવવા પોલીસે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

ભુપેશ સુરતી અન્યોન્ય બેંકના લીક્વીટેડર તરીકે હાજર રહેલો

ઠગ ટોળકી કોલ્હાપુરમાં અન્યોન્ય બેંકના નામનું બોગસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહેતા તેઓ પોતાના કૈાભાંડની કોઈને જાણ થાય તે અગાઉ નાણાં ઉપાડી લેવા માટે રઘવાયા બન્યા હતા. આ પૈકી રાહુલ અને કિરણ કારેલીબાગની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા શાખાના મેનેજરને મળ્યા હતા અને અન્યોન્ય બેંકના લીક્વીડેટર અર્જુનભાઈ ડામોરનું ચાલુ ખાતુ ખોલવા સમજાવી તેમની બેંકમાં મોટી રકમની એફડી કરી આપશે તેમ જણાવ્યું હતું. તેઓએ લીક્વીડેટરનું ખાતુ ખોલવા માટે અર્જુનભાઈનું બોગસ પાનકાર્ડ બનાવ્યું હતુ અને તેમાં ભુપેશ સુરતીએ પોતાનો ફોટો લગાવ્યો હતો. એટલું જ નહી તેણે ‘હું અર્જુનભાઈ ડામોર છુ’ તેવી બેંક મેનેજરને બોગસ ઓળખ આપી લીક્વીડેટરના નામની બોગસ સહીઓ પણ કરી હતી અને તેમના નામે ખાતુ ખોલાવ્યું હતું.

રાહુલનું હિન્દી ફિલ્મમાં રોકાણ અને ફેમિના મીસ ઈન્ડિયાનો સ્પોન્સર

પોતાની ફાયનાન્સ તરીકે ઓળખ આપી લોકોને આંજી દેતો ૩૫ વર્ષીય રાહુલ શાહના મુંબઈમાં બોલીવુડ સાથે પણ ગાઢ સંબંધો છે. તે ગત ૨૦૧૧-૧૨ના અરસામાં આવેલી નસીરુદ્દીન શાહ અને સોનુ સુદ અભિનિત હિન્દી ફિલ્મ ‘ મેક્સીમમ’માં પ્રોડ્યુસર હતો તેમજ ૨૦૧૨માં ફેમિના મીસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં તેની કંપની ડિવાઈન મુખ્ય સ્પોન્સર હતી.